ફૂટબોલના ભાવિ માટે પ્રતિભાઓ તૈયાર કરવા AIFF 18 લાખ વિદ્યાર્થીઓ સુધી પહોંચશે
જી.એસ.એ.એફ. દ્વારા એ.આઇ.એફ.એફ.ના અધ્યક્ષ કલ્યાણ ચૌબેનું સન્માન -ગુજરાતમાંથી નોમિનેટ કરવા બદલ શ્રીચૌબેએ શ્રી પરિમલ નથવાણીનો આભાર માન્યો
અમદાવાદ: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આજે અમદાવાદ ખાતે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)ના નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી કલ્યાણ ચૌબેનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એ.આઇ.એફ.એફ.ના માનદ કોષાધ્યક્ષ શ્રી કિપા અજય
અને જી.એસ.એફ.એ.ના પ્રમુખ શ્રી પરિમલ નથવાણી સાથે જી.એસ.એફ.એ.ના પદાધિકારીઓ અને જી.એસ.એફ.એ. સાથે જોડાયેલા જિલ્લા ફૂટબોલ એસોસીએશનના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. યોગાનુયોગ, એ.આઇ.એફ.એફ. પ્રમુખ તરીકે શ્રી કલ્યાણ ચૌબેના નોમિનેશનની દરખાસ્ત જીએસએફએ દ્વારા કરવામાં આવી હતી.
સંબોધન કરતાં શ્રી કલ્યાણ ચૌબેએ એ.આઇ.એફ.એફ.ની પ્રમુખપદની ચૂંટણીમાં ગુજરાતમાંથી તેમને નોમિનેટ કરવા બદલ શ્રી પરિમલ નથવાણી અને જી.એસ.એફ.એ.નો આભાર વ્યક્ત કર્યો હતો. “એ.આઈ.એફ.એફ.ના 85 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ફૂટબોલ રમેલા વ્યક્તિ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવી છે.
આ ત્યારે જ શક્ય બન્યું છે જ્યારે શ્રી પરિમલ નથવાણીએ મને ગુજરાતમાંથી નોમિનેટ કરીને ભારતીય ફૂટબોલની સેવા કરવાની તક આપી હતી,” તેમ શ્રી ચૌબેએ કહ્યું હતું.
તેમણે ભારતમાં ફૂટબોલના વિકાસ અને ભારતીય ફૂટબોલને વધુ ઊંચા સ્તરે પહોંચાડવા માટેની તેમની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે “અમે ભારતમાં ફૂટબોલના વિકાસ માટે રોડમેપ તૈયાર કર્યો છે. અમે ફૂટબોલ ગ્રાઉન્ડ ધરાવતી લગભગ 18,000 શાળાઓમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચીશું અને લગભગ 18 લાખ વિદ્યાર્થીઓનો એક સમુહ તૈયાર કરીશું,
જેઓ ફૂટબોલની બેઝિક સ્કિલ્સ શીખશે. આ વિદ્યાર્થીઓમાંથી અમને પાંચ-દસ વર્ષ પછી સારા ખેલાડીઓ મળશે જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે.” તેમણે કહ્યું કે અત્યાર સુધી ભારત રમતોમાં માત્ર ભાગ લેતું હતું, પરંતુ હવે ભારત જીતવા માટે ભાગ લેશે.
શ્રી કલ્યાણ ચૌબેએ એમ પણ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી શ્રી અમિત શાહ પણ ભારતમાં ફૂટબોલના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને તેઓ ઈચ્છે છે કે જ્યારે ભારતે વિજ્ઞાન, ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રે પ્રશંસા મેળવી છે ત્યારે ભારત આ રમતમાં પ્રગતિ કરે.
જી.એસ.એફ.એ.ના જનરલ સેક્રેટરી શ્રી મૂળરાજસિંહ ચુડાસમાની એ.આઇ.એફ.એફ.માં ટેલેન્ટ સ્કાઉટિંગ અને પાયાના સ્તરે ફૂટબોલના વિકાસ માટે સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત જી.એસ.એફ.એ.ના ઉપપ્રમુખ શ્રી જીજ્ઞેશ પાટીલને એ.આઇ.એફ.એફ.ની બીચ સોકર કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને જી.એસ.એફ.એ.ના ખજાનચી શ્રી મયંક બૂચને એ.આઇ.એફ.એફ. નાણા સમિતિમાં સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે જી.એસ.એફ.એ.ના ઉપપ્રમુખ શ્રી હનીફ જીનવાલા, જી.એસ.એફ.એ.ના ઉપપ્રમુખ શ્રી જીજ્ઞેશ પાટીલ, જી.એસ.એફ.એ.ના પૂર્વ પ્રમુખ શ્રી હરદેવસિંહ જાડેજા, કેરળ રાજ્ય ફૂટબોલ એસોસીએશનના જનરલ સેક્રેટરી શ્રી અનિલ પ્રભાકરન, હરિયાણા ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ શ્રી સૂરજ પાલ ‘અમુ’ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
જી.એસ.એફ.એ. સાથે જોડાયેલા જુદા જુદા જિલ્લા ફૂટબોલ એસોસીએશનો દ્વારા શ્રી કલ્યાણ ચૌબે અને શ્રી કિપાને સન્માનિત કરવામાં આવ્યા હતા. જી.એસ.એફ.એ.ના જનરલ સેક્રેટરી શ્રી મૂળરાજસિંહ ચુડાસમાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું જ્યારે જી.એસ.એફ.એ.ના ખજાનચી શ્રી મયંક બૂચે આભારવિધિ કરી હતી.