GSRTCની નવી એપ. થકી ઓનલાઇન સીટ બુકિંગમાં ૧૬૭%નો વધારો
એસ.ટી. નિગમ રેપીડ ડિજીટાઇઝેશનના માર્ગે -વર્ષ ૨૦૧૯માં કુલ ૨૭.૧૧ લાખ લોકોએ પ્રિમિયમ બસ-સેવાનો લાભ લીધો
એક્સપ્રેસ-વોલ્વો બસના રિયલ ટાઇમ ઇન્સ્પેક્શન માટે નિગમે અત્યાધુનિક એપ. વિકસાવી
(સંકલન,આલેખન: ઉમંગ બારોટ) રાજ્યના નાગરિકોને પરિવહનની સુવિધા આપતા એસ.ટી. નિગમે ગત નવેમ્બર માસમાં ઓનલાઇ ટિકીટ બુકીંગ માટે નવી એપ્લિકેશન લોંચ કરી હતી. માત્ર ૪૫ દિવસમાં ૧.૫ લાખ યુઝર્સ દ્વારા આ એપ. ડાઉનલોડ કરવામાં આવી છે. આ અત્યાધુનિક એપ.ની ફળશ્રુતિ રુપે ચાલુ વર્ષના ડિસેમ્બર માસમાં વર્ષ ૨૦૧૮ની સરખામણીએ ૧૬૭% વધારે ટિકીટ બુક થઇ છે.
ડિસેમ્બર ૨૦૧૮ માં ૫૭,૫૩૪ ઓનલાઇન ટિકિટ બુક થઇ હતી જ્યારે નવી એપ્લિકેશનથી ડિસેમ્બર ૨૦૧૯માં ૧,૫૪,૧૩૪ ઓનલાઇન ટિકિટ બુક થઇ છે, જે ૧૬૭% નો વધારો સુચવે છે. આ ઉપરાંત ડિસેમ્બર ૨૦૧૮માં કુલ ૧ કરોડ ૨૬ લાખ રૂપિયાની ટિકીટ ઓનલાઇન બુક કરવામાં આવી હતી. નવી એપ. થકી ડિસેમ્બર ૨૦૧૯માં રુ. ૩ કરોડ ૩૧ લાખની ટિકીટ બુક થઇ છે.
નવી એપ્લીકેશનમાં અંદાજે ૪૯૦૦ એક્સપ્રેસ બસનાં રિયલ ટાઇમ ટ્રેકિંગની સુવિધા પુરી પાડવામાં આવી છે. અન્ય ૪૨,૦૦૦ નોન-એક્સપ્રેસ બસના રાજ્યવ્યાપી ટ્રેકિંગની સુવિધા પણ આ એપ.માં આપવામાં આવનાર છે. ‘હાયર બસ’ વિકલ્પ થકી એસ.ટી. બસ ભાડા પેટે મેળવી શકાય છે. બુક થયેલ ટિકીટની પ્રવાસ તારીખ બદલી પણ બદલી શકાય છે. ઉપરાંત ટૂંક સમયમાં બસ-પાસ મેળવાવાની સુવિધા પણ એપ. પર ઉપલબ્ધ કરવામાં આવશે.
એસ.ટી. નિગમ હાલ રેપીડ ડિજીટાઇઝેશનના માર્ગે છે. ૪૯૦૦ એક્સપ્રેસ-વોલ્વો બસના રિયલ ટાઇમ ઇન્સ્પેક્શન માટે વિશેષ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે. આ એપ. દ્વારા ઇન્સ્પેક્ટિંગ અધિકારી પેસેન્જર એમેનિટિઝ (યાત્રી સુવિધા) માં રહેલી ખામીનો ફોટો લઇ અપલોડ કરતા જ તેની જાણ બસ-ઓપરેટર અને કંટ્રોલ સેંટરને થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એક્સપ્રેસ અને વોલ્વો જેવી પ્રિમિયમ બસ-સેવાની શરુઆત ૨૦૧૧ થી કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૧માં આ સેવા થકી ૪ રૂટ, ૭ મુખ્ય શહેરોને આવરી લેવાતા ૩.૧૯ લાખ લોકોએ પ્રિમિયમ બસ-સેવાનો લાભ લીધો હતો.
વર્ષ ૨૦૧૯માં પ્રિમિયમ બસ-સેવા થકી ૫૯ રૂટ દ્વારા ગુજરાતના ૯૦ શહેરો, ૧૩ આદિજાતી વિસ્તારના નગરો, ૨૯ આંતરરાજ્ય શહેરો અને ૧૩ ધાર્મિક સ્થળો આવરી લેવામાં આવે છે. વર્ષ ૨૦૧૯માં કુલ ૨૭.૧૧ લાખ લોકોએ પ્રિમિયમ બસ-સેવાનો લાભ લીધો છે.