Western Times News

Gujarati News

એસ ટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં ૪%નો વધારો

કર્મચારીઓને પ૦% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે

અમદાવાદ, GSRTC નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવેથી એસટી નિગમના કર્મચારીઓને ૫૦ ટકા મુજબ મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે. આ અંગે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્‌વીટ કરીને માહિતી આપી છે.

વધુમાં વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્‌વીટમાં જાણકારી આપી છે કે તમામ કર્મચારીઓને બાકી રહેલું એરીયર્સ પણ ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી રૂપિયા ૧૨૫ કરોડની ચૂકવણી કરવામાં આવશે અને રાજ્ય સરકાર પર તેનો બોજ પણ વધશે. તમને જણાવી દઈએ કે ૧લી જાન્યુઆરી ૨૦૨૪થી આ વધારો લાગુ કરવામાં આવ્યો છે.

૧૬ ડિસેમ્બરે નાણાં વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્‌યો તે મુજબ રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. છઠ્ઠા પગારપંચ હસ્તકના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ૭ ટકા વધ્યું છે. આ મોંઘવારી ભથ્થાના ૫ મહિનાના તફાવતની રકમ પણ ચૂકવાશે. જો તમે ગુજરાત સરકારના કર્મચારી છો અને સાતમું પગાર પંચ મેળવી રહ્યા છો તો તમારા માટે આનંદના સમાચાર આવ્યા છે. ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને પણ આ લાભ મળવાનો છે.

સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારીના મારથી રાહત આપવા વર્ષમાં ૨ વખત મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે. જે ફુગાવાના આધારે નક્કી થાય છે. પાંચમા અને છઠ્ઠા પગાર પંચ હેઠળ પગાર મેળવતા પગારદારો અને પેન્શર્નસને આ વધારવામાં આવેલા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે.

અત્રે જણાવીએ કે, આ મોંઘવારી ભથ્થો કયા મહિનાથી આપવામાં આવશે તે અંગે ચોક્કસ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ જે અંગે અને કેટલીક સ્પષ્ટતા સાથે ટૂંક સમયમાં ગુજરાત વાહન વ્યવહાર નિગમ પરિપત્ર બહાર પાડશે. આ ભથ્થાના વધારાની જાહેરાત થતાં એસ ટી નિગમ કર્મીઓમાં ખુશી જોવા મળી રહી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.