હજારો લોકો વતનથી પાછા આવવા માટે રવાનાઃ એસટી વિભાગને કરોડોની આવક
દિવાળી વેકેશન પૂર્ણ થતાં એસટી બસોમાં લોકોની લાંબી લાઈન લાગી
અમદાવાદ, અમદાવાદ સહિત ગુજરાતનાં અન્ય શહેરોને કર્મભૂમિ બનાવી ચૂકેલા અલગ અલગ શહેર અને ગામડાના લોકો દિવાળીના તહેવાર નિમિત્તે વતન જતા હોય છે. આ લોકોને માદરે વતન પહોંચાડવા માટે અમદાવાદ સહિત અન્ય મુખ્ય શહેરોના એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવતી હોય છે.
દિવાળી પર્વ શરૂ થતાંના એક સપ્તા પહેલાં જ બસો મારફતે હજારો લોકો પોતાના વતન પહોંચ્યા હતા. ક્યારેક એક જ ડેપોમાંથી એક જ દિવસમાં ૫૦૦થી વધુ બસ એસટી વિભાગ દ્વારા ઉપાડવામાં આવી હતી, જેમાં હજારો લોકોએ મુસાફરી કરી હતી. હવે જે તે ડેપોમાં અમદાવાદ, સુરત, રાજકોટ કે વડોદરા જેવી પોતાની કર્મભૂમિ તરફ પરત ફરવા માટે એસટી બસોમાં લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે.
તહેવારમાં પોતાના વતન જવા માગતા લોકો, ખાસ કરીને પરપ્રાંતીય શ્રમિકોથી રેલવે સ્ટેશનો રીતસર ઊભરાઈ જાય છે. ઉત્તર ભારત તરફ જતા મુસાફરોની સંખ્યા એટલી વધારે હોય છે કે જુદાં જુદાં રેલવે સ્ટેશનો પર હજારો લોકો રાહ જોતા જોવા મળે છે.
કેટલાક લોકો ટ્રેનના શૌચાલયમાં બેસવા માટે પણ મજબૂર બને છે તો કેટલાક લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને તહેવારોની સિઝનમાં કોઈને કોઈ રીતે પોતાના વતન પહોંચે છે. આવી જ રીતે દિવાળીના તહેવારો અગાઉથી વતન ગયેલા શ્રમિકો કામધંધા અને રોજગારી અર્થે પરત આવે છે. એસટી વધારાની બસની ટ્રિપ દોડાવીને આવા પ્રવાસીઓને સમયસર તેમના નિયત સ્થળે પહોંચાડે છે.
અમદાવાદ એસટી વિભાગને ચાલુ વર્ષે પણ દિવાળી ફળી છે. દિવાળી પહેલાં દોડાવાયેલી સ્પેશિયલ બસના કારણે એસટીની તિજોરી છલકાઈ ગઈ હતી. ૨૬ ઓક્ટોબરથી ૩૦ ઓક્ટોબર સુધીમાં એસટીએ ૧,૫૦૦થી વધુ બસો દોડાવી હતી અને અઢી કરોડથી વધુ આવક મેળવી છે. સૌથી વધુ ૫૦૦ ટ્રિપ ઝાલોદ અને બીજા ક્રમે ૩૦૦ ટ્રિપ દાહોદની દોડાવાઈ છે, જ્યારે ગ્રુપ બુકિંગની પણ ૨૦૦ બસ દોડાવવામાં આવી હતી.
અમદાવાદ એસટી વિભાગ દ્વારા એસટી આપના દ્વારે યોજના અંતર્ગત ગ્રૂપ બુકિંગ કરીને સોસાયટીઓમાંથી પ્રવાસીઓને બેસાડીને વતન સુધી પહોંચાડવાનો આરંભ કરાયો ત્યારથી મુસાફરો આ સેવાનો બહોળા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે. આ વખતે ગ્રૂપ બુકિંગમાં ૩૦૦થી વધુ બસનું બિકિંગ થયું હતું.
આમ, ગ્રુપ બુકિંગ દ્વારા લાખો રૂપિયાની આવક મેળવાઈ હતી, જ્યારે દાહોદ અને ઝાલોદ તરફ એડવાન્સ બુકિંગ વગર પાંચ દિવસમાં ૫૦ હજારથી વધુ લોકો ગયા છે. દાહોદ-ઝાલોદ તરફની બસ જેમ જેમ ભરાતી ગઈ તેમ તેમ નવી બસ ઉપાડવામાં આવી હતી. તેવી જ રીતે તહેવારોની સમાપ્તિ થતાં જ હવે આ બસો પરત આવી રહી છે.