GSTના માળખામાં આગામી દિવસોમાં મોટાપાયે ફેરફારની શક્યતા
જીએસટી ના માળખામાં આગામી દિવસોમાં મોટાપાયે ફેરફારો થઇ શકે છે અને તેવા સંકેતો પણ મળી ગયા છે. ટૂંક સમયમાં જ રાજ્ય સરકારના મંત્રીઓની બનેલી પેનલ દ્વારા કેટલીક મહત્વની ભલામણ કરવામાં આવશે અને તેને પગલે દરોમાં પણ મોટા પાયે ફેરફાર થઈ શકે છે.
જીએસટીના માળખામાં સુધારા વધારા કરવા માટે અને સૂચનો કરવા માટે રચવામાં આવેલી પેનલ દ્વારા 12 અને 18 ટકાના બદલે 15 ટકાના સિંગલ સલેબ માટે મહત્વનું સૂચન કરવામાં આવશે તેમ બહાર આવ્યું છે. આ પ્રકારના પગલા ની હિલચાલ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી અને મંત્રીઓની બનેલી પેનલ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી છે.
સાથોસાથ મંત્રીઓની પેનલ દ્વારા જીએસટીના 5% ના રેટ ને 8% કરવા ના સૂચન સાથે સંમતિ દર્શાવવામાં આવી નથી કારણ કે તેનાથી ફુગાવો વધી શકે છે અને મોંઘવારી માજા મૂકી શકે છે અને અત્યારે ઓલરેડી મોંઘવારી ખૂબ જ ત્રાસદાયક બની ચૂકી છે ત્યારે માળખામાં ફેરફાર કરવાના સૂચનો થઈ શકે છે.
જીએસટી કાઉન્સિલની હવે પછીની બેઠક આગામી મહિને મળવાની છે અને તે પહેલા મંત્રીઓના જુથની બેઠક ચાલુ સપ્તાહ દરમ્યાન યોજાવાની છે અને તેમાં જીએસટીના આ અંગે કયા પ્રકારની ભલામણો કરવી તે અંગેનો નિર્ણય લેવાઈ શકે છે.
દરમિયાનમાં કેન્દ્ર સરકારની મહેસૂલી આવક વધારવા માટે પાંચ ટકા ને બદલે ૮ ટકાનો દર રાખવાની જે દરખાસ્ત કરવામાં આવી છે તેનાથી પેનલના સભ્યો સંમત નથી કારણ કે એમનું માનવું છે કે તેનાથી મોંઘવારીમાં વધારો થઈ શકે છે અને સામાન્ય માનવીનું જીવન વધુ દુષ્કર બની શકે છે.
મંત્રીઓના જૂથ દ્વારા કેન્દ્ર સરકારની મહેસૂલી આવકમાં કેવી રીતે વધારો થઈ શકે તેવાં સૂચનો પણ થઈ શકે છે જોકે માળખામાં મોટાપાયે ફેરફાર કરવાની ભલામણ કરવામાં આવશે અને જીએસટી કાઉન્સિલ ની આવતા મહિને મળનારી બેઠકમાં તેના વિશે અંતિમ નિર્ણય પણ લેવાઈ શકે છે.