GST બોગસ બિલીંગ કૌભાંડઃ અમદાવાદના મોટા વેપારીઓ પણ બોગસ બિલ લેતા હતા
મુખ્ય કૌભાંડી ભાગેડુ નિલેશ પટેલને ગમે તે રીતે પકડી લાવો, સરકારનું દબાણ વધ્યુ
(એજન્સી)અમદાવાદ, ભાવનગરની માધવ કોપર કંપનીમાંથી ઓપરેટ થતાં બોગસ બિલીંગ કૌભાંડનો રેલો રાજયભરમાં પહોંચ્યો છે. ત્યારે અમદાવાદના મોટા વેપારીઓ પણ બોગસ બિલીંગ લેતા હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે. બીજી તરફ માધવ કોપરના માલિક અને કૌભાંડના મુખ્ય સુત્રધાર નિલેશ પટેલને ઝડપી લેવા માટેે સરકારનુૃ દબાણ વધતા અધિકારીઓ દોડતા થઈ ગયા છે.
સરકારના દબાણને કારણે જ અધિકારીઓએ બોગસ બિલીગ કૌભાંડના એપી સેન્ટર માધવ કોપર ઉપર રેડ કરી હતી. હવે જીએસટીના અધિકારીઓ દ્વારા બોગસ બિલીંગ કૌભાંડના તમામ આરોપીઓને મહેમાનોની જેમ જ સાચવવામાં આવ્યા હોવાના વ્યાપક આક્ષેપો થઈ રહ્યા છે. અને તે અંગેની ફરીયાદ છેક ગાંધીનગર સુધી પહોંચી છે.
જીએસટી અમલમાં આવ્યુ ત્યારથી જ ગુજરાત સહિત દશેભરમાં ચોક્કસ તત્ત્વોએ બોગસ બિલીંગ જનરેટ કરી ખોટી રીતે ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવવાનો ધંધો શરૂ કરી દીધો છે.આ તમામ ગોબાબારીમાં જીએસટીના નિવૃત્ત અને કેટલાંક ફરજ પરના અધિકારીઓનું સમર્થન મળતુ હોવાનું વારંવાર ખુલ્વા પમ્યુુ છે.
હવે જ્યારે રૂા.૧૩૧૬ કરોડના બોગસ બિલીંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે ત્યારે જીએસટીના અધિકારીઓ દ્વારા બોગસ ડોક્યુમેેન્ટને આધારે રજીસ્ટર્ડ ર૦૦થી વધુ કંપનીની તપાસ હાથ ધરી છે. કૌભાંડીઓ જરૂરીયાતમંદ અને ગરીબ બેરોજગાર યુવાનોના ડોક્યુમેન્ટને આધારે કંપની રજીસ્ટર્ડ કરાવી તેમાં કરોડો રૂપિયાના વ્યવહારો કરતા હતા.
જીએસટીના અધિકારીઓએ આ કૌભાંડમાં કુલ ૭ વ્યક્તિની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તપાસ માટે જીએસટી ની ઓફિસમાં આ આરોપીઓને મહેમાનની જેમ સરભરા કરવા અને તેમના સરનામાની કે ફોટા મીડીયામાં આવે નહીં તેવી રીતેની ખાસ કાળજી લેવાઈ હોવાના આક્ષેપો પણ હવે થવા લાગ્યા છે.
દરોડો પડે એ પહેલા જ નિલેશ પટેલને ભાગી જવામાં પણ કચેરીના જ કેટલાક અધિકાારીઓ સામેે આંગળી ચીંધાઈ છે. બીજીતરફ તપાસમાં એવી પણ ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે કે અમદાવાદના મોટાગજાના વેપારીઓ પણ બોગસ બિલીંગના કૌભાડીઓ પાસેથી બોગસ બિલ મેળવતા હતા.