ડિસેમ્બરમાં જીએસટી કલેક્શન ૭.૩% વધીને રૂ.૧.૭૭ લાખ કરોડ
નવી દિલ્હી, વર્ષના છેલ્લા મહિનામાં કુલ જીએસટી કલેક્શનમાં વૃદ્ધિનો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે. ડોમેસ્ટિક અને નિકાસ રિફંડમાં નોંધપાત્ર વૃદ્ધિ છતાં ડિસેમ્બરમાં જીએસટીની આવક ૭.૩ ટકા વધીને રૂ.૧.૭૭ લાખ કરોડ નોંધાઈ છે.
જ્યારે સ્થાનિક વ્યવહારોમાંથી થયેલું જીએસટી કલેક્શન ૮.૪ ટકા વધીને રૂ.૧.૩૨ લાખ કરોડ થયું છે. ડિસેમ્બરમાં રૂ.૧.૭૭ લાખ કરોડના કુલ જીએસટી કલેક્શનમાં સેન્ટ્રલ જીએસટી (સીજીએસટી)નો હિસ્સો રૂ.૩૨,૮૩૬ કરોડ, સ્ટેટ જીએસટી (એસજીએસટી) રૂ.૪૦,૪૯૯ કરોડ, ઇન્ટિગ્રેટેડ જીએસટી (આઇજીએસટી) રૂ.૪૭,૭૮૩ કરોડ અને સેસ રૂ.૧૧,૪૭૧ કરોડ રહ્યા હતા.
અગાઉના વર્ષના સમાન ગાળામાં ડિસેમ્બર ૨૦૨૩માં જીએસટીની આવક રૂ.૧.૬૫ લાખ કરોડ નોંધાઈ હતી. નવેમ્બરમાં જીએસટી કલેક્શન રૂ.૧.૮૨ લાખ કરોડ રહ્યું હતું કે, જે ૮.૫ ટકાની વાર્ષિક વૃદ્ધિ હતી.
અત્યાર સુધીમાં જીએસટીની સૌથી વધુ આવક એપ્રિલ ૨૦૨૪માં રૂ.૨.૧૦ લાખ કરોડ રહી હતી. ડિસેમ્બરમાં રૂ.૨૨,૪૯૦ કરોડના રિફંડ ઇશ્યૂ કરાયા હતા, જ અગાઉના વર્ષના સમાન ગાળાની તુલનામાં ૩૧ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
ડેલોઇટ ઇન્ડિયાના પાર્ટનર એમ એસ મણિએ જણાવ્યું હતું કે, “જીએસટીના એકંદર કલેક્શનમાં વાર્ષિક ૮.૬ ટકા વધારો નોંધાયો છે, પણ એ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે રિફંડમાં ૧૩.૫ ટકાની વૃદ્ધિ છતાં આ વૃદ્ધિ હાંસલ કરાઈ છે. તે જીએસટી કલેક્શનમાં સ્થિરતા દર્શાવે છે.”
રિઝર્વ બેન્કે બુધવારે જણાવ્યું હતું કે, રૂ.૨,૦૦૦ની ૯૮.૧૨ ટકા નોટ બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી ચૂકી છે, પણ હજુ રૂ.૬,૬૯૧ કરોડની નોટ લોકો પાસે છે. ૧૯ મે, ૨૦૨૩ના રોજ રૂ.૨,૦૦૦ની નોટ સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચવામાં આવી હતી.
એ દિવસે રૂ.૨,૦૦૦ની રૂ.૩.૫૬ લાખ કરોડની નોટ સર્ક્યુલેશનમાં હતી, તે ઘટીને હવે રૂ.૬,૬૯૧ કરોડ થઈ છે. રૂ.૨,૦૦૦ની નોટ અત્યારે પણ ‘લિગલ ટેન્ડર’ છે. અમદાવાદ, મુંબઇ સહિત દેશભરની ૧૯ રિઝર્વ બેન્કમાં આવી નોટ જમા કરાવી કે બદલી શકાય છે.SS1MS