Western Times News

Gujarati News

અમદાવાદમાં સુથારી કામ કરતાં યુવકને 1.96 કરોડનો ટેક્સ ભરવાની GST નોટીસ મળી

પાટણ, પાટણ જિલ્લાના સમી તાલુકાના દુદખા ગામના સામાન્ય પરિવારના યુવકને બેગલુરુ જીએસટી વિભાગ તરફથી ૧.૯૬ કરોડ રૂપિયાનો ટેકસ ભરવાની નોટિસ મળતા ખળભળાટ મચી ગયો છે.

આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, યુવકના નામે દેશના વિવિધ રાજયોમાં ૧૧થી વધુ પેઢીઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં કરોડોનું ટર્નઓવર નોંધાયું છે. યુવક અને તેના પરિવારજનોએ આ મામલે તપાસ કરતાં જાણવા મળ્યું કે કોઈ વ્યક્તિએ તેમના નામના બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને મોટી છેતરપિંડી આચરી છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને સુનીલ સથવારા તેના પરિવારજનો સાથે પાટણ એસ.પી. કચેરી પહોંચ્યા હતા.

આ અંગે મળતી માહિતી મુજબ સમી તાલુકાના દુદખા ગામના સુનીલ સથવારા જે અમદાવાદમાં સુથારી કામ કરીને ગુજરાન ચલાવી રહ્યો છે. તેના મુળ વતન સમી તાલુકાના દુદખા ગામે બેગ્લુરુથી ટપાલ આવી હતી. આ મામલે સુનીલ સથવારાએ જણાવ્યું હતું કે, મેં નોટિસ ખોલીને જોયું તો એ ઈન્કમટેકસ વિભાગની હતી જેમાં ૧.૯૬ કરોડનો મારે ટેકસ ભરવાનો હોવાનું જણાવાયું છે.

મારા નામની વિવિધ જગ્યાએ ૧૧ પેઢીઓ ચાલુ કરવામાં આવી છે. અમે વકીલની લાહ લઈને સાયબર વિભાગમાં ફરિયાદ કરી છે. સાથે જ માંગ કરી છે કે આ પ્રકારની ઓળખ ઉભી કરી ચોરી અને છેતરપિંડીને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે, જેથી અન્ય કોઈ નાગરિક આવી છેતરપિંડીનો ભોગ ન બને. આ કેસ દર્શાવે છે કે કેવી રીતે સાયબર ગુનેગારો સામાન્ય નાગરિકોની ઓળખનો દુરુપયોગ કરીને મોટી આર્થિક ગેરરીતિ આચરી શકે છે.

આ અંગે ભોગ બનનાર યુવકના સગાએ જણાવ્યું હતું કે, મારો ભત્રીજો સુનીલ અમદાવાદમાં સુથારી કામ કરીને જીવન જીવે છે. અમે નાના માણસો છીએ. આટલા રૂપિયા અમે જોયા પણ નથી, અમે તો મજૂરી કામ કરીને જીવીએ છીએ. એના કાગળોનો દુરુઉપયોગ કરીને કોઈએ આ ફ્રોડ કર્યું છે. અમે વકીલની સલાહ લઈને ગૃહ વિભાગ અને સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી છે. જયાંથી અમને આશ્વાસન આપવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.