Western Times News

Gujarati News

GST દરોડાઃ 12 બોગસ પેઢીઓ બનાવનાર ૩૩થી વધુની ધરપકડ કરાઈ

આ ટુકડીએ દેશભરમાં ૨૦૦થી વધુ બોગસ કંપનીઓ રજિસ્ટર્ડ કરાવીને કરોડો રૂપિયાની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી છે.

અમદાવાદ, કેન્દ્ર સરકાર દ્વારા નોંધાયેલ ફરિયાદો પર આધાર રાખીને, ગુજરાતમાં ક્રાઈમ બ્રાન્ચ, આર્થિક ગુનાહિતી વિભાગ અને વિશેષ અભિયાન ગ્રુપની ટીમો દ્વારા રાજ્યભરમાં ૧૪ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ૧૨ બોગસ પેઢીઓ બનાવનાર ૩૩થી વધુ સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં એક નામ પત્રકાર મહેશ લાંગાનું પણ છે.

ક્રાઇમ બ્રાન્ચે જીએસટી કૌભાંડ મામલે લાંગાની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. આ છેતરપિંડીની કાર્યવાહી માટે બનાવટી ઓળખ અને દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રથમ દૃષ્ટિએ, એવું જણાય છે કે દેશભરમાં ૨૦૦ થી વધુ છેતરપિંડીથી રચાયેલી કંપનીઓ/એકમો સામેલ છે, જેઓ છેતરપિંડીયુક્ત ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને અને પસાર કરીને સરકારી તિજોરીને છેતરવા માટે સંગઠિત રીતે કામ કરી રહી છે.

જીએસટી ચોરીની મળેલી ફરિયાદ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજ્યભરમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડાયરેક્ટર જનરલ આૅફ ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપેલી માહિતીના આધારે અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા અને ભાવનગર સહિતના ૧૪ ઠેકાણાં પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કુલ ૧૨ બોગસ પેઢી બનાવનાર ૩૩થી વધુ સંચાલકોની અટકાયત કરાઈ છે.

એમાં સૌરાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય ભગવાન બારડના પુત્ર અજય બારડ અને પત્રકાર મહેશ લાંગાની પણ પૂછપરછ કરાઈ હતી. પ્રાથમિક તપાસમાં બધાએ ભેગા મળીને સમગ્ર દેશમાં ૨૦૦થી વધુ બોગસ પેઢીઓ દ્વારા કરોડો રૂપિયાનું ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કૌભાંડ કરાયું હોવાનું ખૂલ્યું છે.૧૨ બોગસ પેઢીઓ બનાવનાર ૩૩થી વધુ સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે.

તેમાં એક પત્રકાર મહેશ લાંગાનું પણ છે. ક્રાઇમ બ્રાન્ચે જીએસટી કૌભાંડ મામલે લાંગાની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. પત્રકાર મહેશ લાંગાએ ધરપકડના એક દિવસ પહેલાં જ જીએસટીને લઈને પોસ્ટ કરી હતી અને જીએસટી રજીસ્ટ્રેશનને એક પીડા ગણાવી હતી. આ પોસ્ટના બીજા જ દિવસે તેની જીએસટીકૌભાંડ’માં ધરપકડ પણ થઈ છે.

આ મામલે ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે જીએસટી તરફથી મળેલી ફરિયાદ બાદ પત્રકાર મહેશ લાંગાની ખોટા ડોક્યુમેન્ટ બદલ ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ.બ્રાન્ચ દ્વારા તમામ ડોક્યુમેન્ટ્‌સ કબજે કરીને વધુ તપાસ કરવામાં આવશે. તપાસમાં ખુલાસો થતાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. ખાસ વાત તો એ છે કે, પત્રકાર મહેશ લાંગાને પણ આ તપાસમાં ઝડપી પાડવામાં આવ્યો છે.

હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. તપાસમાં આ કૌભાંડ અને કૌભાંડીઓનો આંકડો વધે તેવી પૂર્ણ શક્યતાઓ પણ છે. આ કૌભાંડ સાથે ગુજરાતમાં બોગસ બિલિંગ કૌભાંડનો આંકડો પણ ?૫૦ હજાર કરોડને પાર થઈ ગયો છે.

ડાયરેક્ટોરેટ ઓફ જનરલ ઓફ ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર હિમાંશુ જોષીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે અમદાવાદની ધ્રુવી એન્ટરપ્રાઇઝના નામે બોગસ કંપની રજિસ્ટર્ડ કરાવી ચોક્કસ ટુકડી દ્વારા બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી રહી છે.

આ ટુકડીએ દેશભરમાં ૨૦૦થી વધુ બોગસ કંપનીઓ રજિસ્ટર્ડ કરાવીને કરોડો રૂપિયાની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી છે. એના માટે તેમણે હજારો કરોડનાં બોગસ બિલો પણ જનરેટ કર્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.