વેચનારે GST ચૂકવેલો ન હોય તો ખરીદનાર પાસેથી વસૂલી ન શકાય

AI Image
ગુવાહાટી હાઈકોર્ટમાં થયેલી પિટિશન પર વેપારીના હિતનો નિર્ણય
સુરત, વેપારીએ માલ ખરીદી કરતી વખતે વેચાણ કરનાર વેપારીને જીએસટીની રકમ ચૂકવી દીધી હોય પરંતુ વેચાણ કરનાર વેપારીએ જીએસટી વિભાગમાં જમા કરાવ્યો નહીં હોય તેવા કિસ્સામાં ખરીદનાર પાસેથી ટેકસની વસૂલાત કરવાની કામગીરી જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે
પરંતુ તે કામગીરી યોગ્ય નહીં હોવાની સાથે ગુવાહાટી હાઈકોર્ટે ચુકાદો આપતા જણાવ્યું છે કે ખરીદનાર વેપારીની પાસેથી વસૂલાત તો કરવામાં આવવી જોઈએ નહીં સાથે સાથે તેના દ્વારા કલેઈમ કરવામાં આવેલી આઈટીસી પણ અટકાવી શકાય નહીં. આ ચુકાદો આપવામાં આવતા અનેક વેપારીઓને તેનો ફાયદો થવાનો છે.
જો કે, ગુવાહાટી હાઈકોર્ટે આપેલા ચુકાદાનો અમલ ગુજરાતમાં કરવામાં આવે તો રાજ્યના અનેક વેપારીઓને તે નિર્ણય થકી અનેક પરેશાનીમાં રાહત થઈ શકે તેમ છે.
સામાન્ય રીતે વેપારીએ માલની ખરીદી કરતી વખતે જ તેની કિંમતની સાથે નિયમ પ્રમાણે જે જીએસટી ભરવાનો થતો હોય તેની ચૂકવણી કરી દેતા હોય છે. હવે તે રકમ ભરવાની જવાબદારી માલ વેચનાર વેપારીની હોય છે
પરંતુ કેટલીક વખત વેપારી દ્વારા જીએસટીની રકમ ભરપાઈ કરવામાં આવતી નહીં હોવાના લીધે સામેવાળા વેપારીને આઈટીસી તો મળતી નથી પરંતુ વિભાગ દ્વારા માલ ખરીદનાર વેપારીને નોટિસ મોકલીને જીએસટી, વ્યાજ અને દંડ ભરવા માટે જણાવતા હોય છે જે અંગે ગુવાહાટી હાઈકોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી હતી
તેમાં ગુવાહાટી હાઈકોર્ટે જણાવ્યું છે કે, જે વેપારીએ માલનું વેચાણ કર્યું હોય તેની પાસેથી જ બિલ ટેકસની વસૂલાત કરવામાં આવવી જોઈએ. આ ચુકાદાનો અમલ ગુજરાતમાં પણ કરવામાં આવે તો સુરત સહિત રાજ્યના તમામ વેપારીઓને તેનો ફાયદો થવાનો છે કારણ કે જીએસટી વિભાગ દ્વારા માલ ખરીદનાર વેપારી પાસેથી જ ટેકસ વસૂલાતની કામગીરી કરવામાં આવતી હોવાના લીધે તેઓએ કેટલીક વખત બેવડો ટેકસ ચૂકવવાની નોબત સર્જાતી હોય છે.