ગાંધીનગર ખાતે GSTES મદદનીશ શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત
આદિજાતિ વિકાસમંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં સમારોહનું આયોજન
ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી સંચાલિત ૧૦ર શાળાઓ માટે કુલ ૧૦૫ ઉમેદવારોની મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ-૩ તરીકે નિમણૂક કરાશે-અંતરિયાળ વિસ્તારોમાં માધ્યમિક શિક્ષણ માટે ૩૫ તથા ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ માટે ૩૫ એમ કુલ મળી નવા નિવાસી ૭૦ શિક્ષકોની નિમણૂક
ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસમંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં GSTES મદદનીશ શિક્ષકો માટે નિમણૂક પત્રો એનાયત સમારોહ યોજાયો હતો.
આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી સંચાલિત ૧૦ર શાળાઓ માટે કુલ ૧૦૫ ઉમેદવારોની મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ-૩ તરીકે નિમણૂક કરવામાં આવશે. આ શાળાઓમાં ૯,૮૯૫ કુમાર અને ૨૦,૮૩૦ કન્યા એમ કુલ મળી ૩૩,૭૨૫ વિદ્યાર્થીઓ આવાસ સુવિધા સાથે અભ્યાસ કરી રહ્યા છે.
અંતરિયાળ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુકત શિક્ષણ મળી રહે તે માટે માધ્યમિક શિક્ષણ માટે ૩૫ તથા ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ માટે ૩૫ એમ કુલ મળી નવા નિવાસી ૭૦ શિક્ષકોની નિમણૂક અપાશે.
આદિજાતિ વિકાસમંત્રી શ્રી નરેશભાઈ પટેલે નિમણૂક પત્રો એનાયત કરતાં જણાવ્યું હતું કે આદિજાતિ વિકાસ વિભાગનું ૨૦૨૨-૨૩ વર્ષનું બજેટ રૂ.૨૯૦૯ કરોડ છે. વિભાગ હસ્તક ચાલતી વિવિધ યોજનાઓનો લાભ પહોંચાડવાની મુખ્ય કડીરૂપ જવાબદારી મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીઓની છે ત્યારે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી શિક્ષણ ક્ષેત્રમાં હકારાત્મક પરિણામો લાવવા નવનિયુક્ત શિક્ષકોને મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
મહત્વપૂર્ણ છે કે આદિજાતિના કલ્યાણ-વિકાસ માટે કામ કરતી રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૬ થી ધોરણ ૧૨ સુધીના અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા વિના મૂલ્યે શિક્ષણ, રહેઠાણ, પુસ્તકો, ગણવેશ તેમજ ભોજન જેવી પાયાની સગવડો પૂરી પાડવામાં આવે છે.
આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ભલામણ પત્રો મળ્યાના ટૂંક જ સમયમાં દસ્તાવેજ ચકાસણીનું કાર્ય પૂર્ણ કરી માત્ર ૩ થી ૪ દિવસના ટૂંકાગાળામાં જાતિ પ્રમાણપત્રોની ખરાઈ કાર્ય પૂર્ણ કર્યા બાદ સત્વરે આ નિમણૂક પત્ર એનાયત કરાયા છે. – ધ્રુવી ત્રિવેદી/વિપુલ ચૌહાણ/ભરત ગાંગાણી