GSTNએ GSTR-3Bના નીલ ફાઈલિંગ હવે SMS મારફત થઈ શકશે
- જીએસટી પોર્ટલ પર ફંક્શન તૈનાત-20 લાખથી વધુ કરદાતાઓને લાભ મળશે
નવી દિલ્હી : જીએસટીના નિયમોને સરળ બનાવવાની પહેલના ભાગરૂપે ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ નેટવર્ક (જીએસટીએન) દ્વારા જીએસટી કરદાતાઓ માટે જીએસટીઆર-3બીના ‘Nil’ ફાઈલિંગ માટે ફંક્શન રજૂ કર્યા છે. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર મારફત એસએમએસ સુવિધા મારફત કરદાતા સરળતાથી ‘Nil’ ફાઈલિંગ કરી શકશે. જો કરદાતાએ મહિનામાં કોઈ સપ્લાય કે ખરીદ-વેચાણ ન કર્યા હોય તો તે ફોર્મ જીએસટીઆર-3બીમાં ‘Nil’ રિટર્ન ભરી શકશે. કરદાતાઓ પાસે નીલ રિટર્ન ફાઈલિંગ કરવા માટેનો ઓનલાઈન મોડ વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે. માસિક ‘Nil’ રિટર્ન ફાઈલ કરતાં 20 લાખ કરદાતાઓને આ ફીચર્સથી ફાયદો થશે.
જીએસટીઆર-3બીમાં એસએમએસ મારફત કેવી રીતે ‘Nil’ રિટર્ન ફાઈલ કરશો
કરદાતાએ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર મારફત ‘NIL<space>3B<space>GSTIN<space> ટેક્સ પિરિયડ MMYYYY ટાઈપ કરી 14409 પર એસએમએસ કરવાનો રહેશે. ઉદાહરણ તરીકે મે, 2020ના રિટર્ન ફાઈલિંગ માટે કરદાતાએ જીએસટીઆઈએન 09AGBPS5577MSZCમેસેજ મોકલી શકે છે. જ્યારે નીલ ફાઈલિંગ માટે NIL 3B 09AGBPS5577MSZC 052020ટાઈપ કરી 14409 પર મેસેજ મોકલવાનો રહેશે.
એસએમએસ મોકલ્યા બાદ કરદાતાને એસએમએસ મારફત જ છ આંકડાનો વેરિફિકેશન કોડ મળશે. જેની મદદથી કરદાતાએ CNF<space>3B<space>06 ડિજિટ વેરિફિકેશન કોડ ટાઈપ કરી 14409 પર ફરી એક નવો મેસેજ કરવાનો રહેશે. જેમ કે, વેરિફિકેશન કોડ 782503 આવ્યો છે. તો કરદાતાએ CNF 3B 782503ટાઈપ કરી 14409 પર એસએમએસ મોકલવાનો રહેશે.
અંતે કરદાતાને એપ્લિકેશન રેફરન્સ નંબર મળશે. જે તેઓનુ જીએસટીઆર-3બી માટેની નીલ ફાઈલિંગ સફળ થયુ હોવાનો સંકેત આપશે. ફાઈલ કરેલા રિટર્નનુ સ્ટેટસ જીએસટી પોર્ટલ પર જીએસટીઆઈએન એકાઉન્ટ લોંગઈન કરી મેળવી શકાશે. તેમાં સર્વિસિઝ, રિટર્ન્સ, ટ્રેક રિટર્ન સ્ટેટ્સ પર ક્લિક કરવાની રહેશે.
જીએસટી નેટવર્કના સીઈઓ પ્રકાશ કુમારે આ અંગે જણાવ્યુ હતુ કે, જો દેશમાં 1 કરોડથી વધુ કરદાતાઓ માસિક રિટર્ન જીએસટીઆર-3બી ફાઈલ કરતા હોય તો તેમાંથી આશરે 20 ટકા કરદાતાઓ NIL રિટર્ન ફાઈલર્સમાં સમાવિષ્ટ હોય છે. આ પહેલનો ઉદ્દેશ અમુક બિઝનેસ માટે જીએસટીના નિયમો સરળ બનાવવાનો છે. ઘણા બિઝનેસમાં સરકાર અને અન્ય એજન્સીઓ પાસેથી કોન્ટ્રાક્ટ માટે માન્યતા પ્રાપ્ત કરવા રજિસ્ટ્રેશન કરાવે છે. પરંતુ તેઓનો બિઝનેસ નિયમિતપણે ચાલતો નથી. જેમના માટે આ ફીચર લાભદાયી નીવડશે.
કરદાતાઓ એસએમએસ દ્વારા નીલ જીએસટીઆર -3 બી ફાઇલ કરી શકે છે જો:
- સામાન્ય કરદાતા, કેઝ્યુઅલ કરદાતા, સેઝ યુનિટ, સેઝ ડેવલપર્સ અને માન્ય જીએસટીઆઈએન ધરાવતા કરદાતાઓ લાભ લઈ શકશે
- જીએસટી પોર્ટલ પર મોબાઈલ નંબર અને અધિકૃત સહી રજિસ્ટર્ડ હોવી જોઈએ
- ટેક્સ, અગાઉની પેનલ્ટી, વ્યાજદર પેન્ડિંગ ન હોય
- અગાઉના તમામ જીએસટીઆર 3બી રિટર્ન ફાઈલ કર્યા હોય
- ફોર્મ જીએસટીઆર-3બીના ઓનલાઈન વર્ઝનમાં કોઈ ડેટા સેવ થતો નથી
ફોર્મ જીએસટીઆર -3બીમાં NIL ફાઈલિંગ મહિનાની પહેલી તારીખ બાદ કોઈપણ સમયે ફાઈલ કરી શકો છે. જીએસટીઆઈએન માટે સત્તાવાર પ્રતિનિધિઓ એસએમએસ મારફત NIL ફોર્મ જીએસટીઆર-3બી ભરી શકશે. NIL જીએસટીઆર-3બી ફાઈલિંગ માટેની પ્રક્રિયા અને માન્યતા માટે વધુ માહિતી માટે જીએસટી પોર્ટલના હેલ્પ સેક્શનની મદદ લઈ શકો છો.