GTPL હેથવેનો FY2019-20ના ત્રીજા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો 77 ટકા વધીને રૂ. 32.9 કરોડ થયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/10/GTPL-Hathway.jpg)
અમદાવાદ, જાન્યુઆરી 10, 2020 – ભારતની અગ્રણી ડિજિટલ કેબલ ટીવી અને બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઈડર જીટીપીએલ હેથવે લિમિટેડે (જીટીપીએલ) 31 ડિસેમ્બર, 2019ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા અને નવ માસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. નાણાંકીય વર્ષ 2019-20ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે કંપનીનો ચોખ્ખો નફો 77 ટકા વધીને રૂ. 32.9 કરોડ થયો હતો. આ જ સમયગાળામાં કન્સોલિડેટેડ ધોરણે કુલ આવકો 115 ટકા વધીને 687.5 કરોડ થઈ હતી. 31 ડિસેમ્બર, 2019ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળાના અંતે કંપનીની સીએટીવી સબસ્ક્રીપ્શનની આવક 44 ટકા વધીને રૂ. 258.1 કરોડ થઈ હતી. નાણાંકીય વર્ષ 2019-20ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે કંપનીની એબિટા 62 ટકા વધીને રૂ. 135.2 કરોડ રહી હતી.
કંપનીના નાણાંકીય પ્રદર્શન અંગે જીટીપીએલ હેથવે લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અનિરુદ્ધસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2019-20ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીટીપીએલે મજબૂત બિઝનેસ અને નાણાંકીય કામગીરી દર્શાવી છે. આ ત્રિમાસિક ગાળા દરમિયાન અમે 1,50,000 એસટીબી આપ્યા હતા અને સીએટીવીની સબસ્ક્રીપ્શન આવકમાં 44 ટકાનો મજબૂત વધારો દર્શાવ્યો હતો. ગત ત્રિમાસિક ગાળામાં જણાવ્યું હતું તેમ મજબૂત રોકડ પ્રવાહના લીધે અમે મૂડીખર્ચની જરૂરિયાતો સંતોષી શક્યા છીએ, ઉપરાંત તેનાથી દેવામાં ઘટાડો કરવામાં પણ મદદ મળી છે. ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન અમે દેવામાં વધુ 47.5 કરોડનો ઘટાડો કર્યો હતો. 31 ડિસેમ્બર, 2019ના રોજ અમારું કુલ દેવું હવે 186.1 કરોડ રહ્યું છે.
31 ડિસેમ્બર, 2019ના રોજ પૂરા થતા નવ માસિક ગાળાના અંતે જીટીપીએલનો ચોખ્ખો નફો 92 ટકા વદીને રૂ. 90.8 કરોડ રહ્યો હતો. નાણાંકીય વર્ષ 2019-20ના નવ માસિક ગાળાના અંતે કંપનીની કુલ આવકો 87 ટકા વધીને રૂ. 1,758.2 કરોડ રહી હતી. આ સમયગાળા દરમિયાન સીએટીવીની સબસ્ક્રીપ્શનની આવક 46 ટકા વધીને રૂ. 766.1 કરોડ અને બ્રોડબેન્ડની આવક 13 ટકા વધીને રૂ. 121.3 કરોડ રહી હતી. નાણાંકીય વર્ષ 2019-20ના નવ માસિક ગાળામાં એબિટા વાર્ષિક ધોરણે 47 ટકા વધીને રૂ. 377.9 કરોડ રહી હતી.