GTU દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી
આમુખ આપણા બંધારણનું હાર્દ છે -પ્રો. ડૉ. નવીન શેઠ કુલપતિ
વિદ્યાર્થીઓ દ્વારા બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના(જીટીયુ) એનએનએસ વિભાગ દ્વારા આજરોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કોઈ પણ દેશનું યોગ્ય રીતે સંચાલન કરવા માટે ચોક્કસ પ્રકારના નીતિ નિયમોને સાંકળીને દસ્તાવેજી સ્વરૂપે બંધારણનું નિર્માણ કરવામાં આવે છે. ભારત દેશનું બંધારણ પણ ખરાડા સમિતિના અધ્યક્ષ ડૉ. બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં દેશના અનેક તજજ્ઞોના સહયોગથી તારીખ 26 નવેમ્બર , 1949ના રોજ પ્રેરિત કરવામાં આવ્યું હતું. જેની રાષ્ટ્રીય બંધારણ દિવસ અને કાયદા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.
આ પ્રસંગે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, આમુખ આપણા બંધારણનું હાર્દ છે. દેશની એકતા અને અખંડીતતાનો સમન્વય આપણા બંધારણને આભારી છે. દરેક ભારતીય નાગરીકે બંધારણનો અભ્યાસ કરવો જ જોઈએ.
કાર્યક્રમને સંબોધતા શ્રી મીત શાહે જણાવ્યું હતું કે, કોઈ પણ લોકતાંત્રિક અને પ્રજાસત્તાક રાષ્ટ્રના નિર્માણ માટે બંધારણ પાયારૂપ એકમ છે. વિશેષમાં તેઓએ બંધારણના લગતાં વિવિધ કેસ અને ભારત દેશના નાગરીકોને મળેલ મૂળભૂત હકો બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી.
લિગલ ઓફિસર શ્રી શૈલીબેન શાહે મૂળભૂત ફરજો અને બંધારણની વિશેષતા બાબતે જણાવ્યું હતું. કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થીઓ દ્વારા બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું અને બંધારણને વફાદાર રહેવા માટેના શપથ લેવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટના વકીલ અને કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી મીત શાહ , લિગલ ઓફિસર શ્રી શૈલી શાહ, વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.