GTU એલ્યુમની એસોસિએશને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવતા 13 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા
જી.ટી.યુ.ના પૂર્વ વિદ્યાર્થીઓનું તૃતીય સંમેલન: ‘સમવાય-2024’નું સફળ આયોજન
અમદાવાદમાં આવેલ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના એલ્યુમની એસોસિએશન દ્વારા યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે “સમવાય-2024” શિર્ષક તળે પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજવામાં આવ્યું હતું. પૂર્વ વિધાર્થીઓ સાથે સંપર્કમાં રહી, તેમને સંગઠિત કરી, તેમની પ્રવૃત્તિઓ સરળ બનાવવા, તેમની પ્રાપ્તિઓ અને સિદ્ધિઓને બિરદાવવાના શુભ ઉદ્દેશથી જી.ટી.યુ. દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હાલમાં સમાજમાં ઉંચી પ્રતિષ્ઠા ધરાવતા અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.
પ્રારંભમાં એલ્યુમની એસોસિએશને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સિદ્ધિઓની માહિતી આપી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાત રાજ્યના મહિલા અને બાળવિકાસ ખાતાનાં કમિશનર શ્રી કે.કે. નિરાલાએ ધ્યેયપ્રાપ્તિ માટે પોતાની શક્તિઓને ઓળખવાની જરૂરીયાત ઉપર ભાર મૂકવો જોઈએ તેમ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું.
આ પ્રસંગે હાજર રહેલા ગુજરાતના ખ્યાતનામ વક્તા અને કટાર લેખક શ્રી જય વસાવડાએ પ્રેરક વક્તવ્ય આપતાં બાળકોને સાચી સિદ્ધિ અને સુખી જીવનનો અર્થ સમજાવી અને માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કર્યા હતા.
આ ઉપરાંત, જી.ટી.યુ. એલ્યુમની એસોસિએશને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવતા સંશોધન, સ્ટાર્ટઅપ, એવોર્ડ અને સરકારી નોકરીઓ જેવી કેટેગરીમાં 13 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં કુલપતિ ડૉ. શ્રી રાજુલ કે. ગજ્જર, કુલસચિવ ડૉ. શ્રી કે.એન.ખેરે, ડૉ.પંકજરાય પટેલ, ડૉ. સીમા જોશી, યુનિવર્સિટીના અન્ય અધિકારીઓ તેમજ મદદનીશ પ્રાધ્યાપકો હાજર રહ્યા હતા.