‘પ્રાકૃતિક કૃષિ’ વિષય પર ખેડૂતો, શિક્ષકો, ટ્રેનરોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત બાઇસેગના માધ્યમથી ‘પ્રાકૃતિક કૃષિ’ વિષય પર પરિસંવાદ સંબોધશે
પરિસંવાદનું અમદાવાદ જિલ્લા સહિત રાજ્યના તમામ ઇ-ગ્રામ સેન્ટર પર જીવંત પ્રસારણ કરવામાં આવશે
અમદાવાદ જિલ્લાના વધુને વધુ ખેડૂતો અને યુવાનો આ કાર્યક્રમમાં જોડાય તેવા પ્રયાસો આત્મા તેમજ જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે :- શ્રી કે.કે.પટેલ, ડાયરેકટર, આત્મા – અમદાવાદ
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત તા.૨૫ જુલાઇ ૨૦૨૩ ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે બાઇસેગના માધ્યમથી ‘પ્રાકૃતિક કૃષિ’ વિષય પર પરિસંવાદ સંબોધશે. અમદાવાદ જિલ્લાના ખેડૂતો તેમજ યુવાનો પણ મોટી સંખ્યામાં આ પરિસંવાદમાં જોડાશે. જિલ્લાના ગ્રામસેવકો, વિસ્તરણ અધિકારીશ્રીઓ, ખેતી તથા બાગાયત વિભાગના કર્મચારીઓ તથા અધિકારીશ્રીઓ પણ આ પરિસંવાદમાં સહભાગી થશે.
પરિસંવાદ અંતર્ગત રાજ્યપાલશ્રી રાજ્યભરના ખેડૂતો, શિક્ષકો, ખેડૂત ટ્રેનર અને આત્માના અધિકારીઓને પ્રાકૃતિક કૃષિ બાબતે માર્ગદર્શન પૂરું પાડશે. ચાલુ ખરીફ ઋતુમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં કઇ બાબતોમાં વિશેષ ધ્યાન આપવું જોઈએ તે બાબતે રાજ્યપાલશ્રી સંબોધન કરશે.
આ પરિસંવાદ કાર્યક્રમનું વંદે ગુજરાત ચેનલ નંબર ૪ પરથી પ્રસારણ કરવામાં આવશે. વધુમાં, આ પરિસંવાદનું અમદાવાદ જિલ્લા સહિત રાજ્યના તમામ ઇ-ગ્રામ સેન્ટર તથા પ્રાથમિક શાળાઓ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
યુટ્યૂબના માધ્યમથી આ પરિસંવાદ https://youtube.com/live/6WDQUPmTtew?feature=share લિંક પરથી નિહાળી શકાશે. આ જીવંત પ્રસારણ થકી રાજ્યના તમામ જિલ્લાઓના દરેક ઇ-ગ્રામ સેન્ટર પરથી ખેડૂતો આ પરિસંવાદ નિહાળશે.
આ પરિસંવાદ અંગે જણાવતા આત્મા (ATMA- Agricultural Technology Management Agency), અમદાવાદના ડાયરેકટર શ્રી કે.કે.પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાના વધુને વધુ ખેડૂતો અને યુવાનો આ કાર્યક્રમમાં જોડાય અને પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃતિ વધે તેવા પ્રયાસો આત્મા તેમજ જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.