વિદેશોમાંથી રોકાણ લાવવામાં ગુજરાત બીજા નંબરે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/12/dollar-rupee.jpg)
નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ગુજરાતમાં ૫૫ ટકા વધુ એફડીઆઈ પ્રવાહ આવ્યો
(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગર ઃ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન આૅફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ડેટા અનુસાર, ગુજરાતમાં આ વર્ષે પ્રત્યક્ષ વિદેશી રોકાણ એફડીઆઈ પ્રવાહમાં દેશમાં સૌથી વધારે ગ્રોથ જોવા મળ્યો છે.
ગત નાણાકીય વર્ષમાં પ્રાપ્ત થયેલા ડોલર ૪.૭ બિલિયન એફડીઆઈ પ્રવાહની સરખામણીએ નાણાકીય વર્ષ ૨૦૨૪માં ગુજરાતે ૫૫ ટકાના વધારા સાથે ઇં૨.૬ બિલિયન વધુ એફડીઆઈ પ્રાપ્ત કર્યું છે. આમ, ગુજરાતે નાણાકીય વર્ષ ૨૦૨૪માં ડોલર ૭.૩ બિલિયન નવું એફડીઆઈ પ્રાપ્ત કરીને, કર્ણાટક અને દિલ્હીને આ બાબતે પાછળ છોડી દીધા છે અને એફડીઆઈ પ્રવાહમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝનને અનુરૂપ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઘણા ઉદ્યોગ-અનુકૂળ નિર્ણયો અને નીતિઓનો અમલ કર્યો છે, જેનું પરિણામ એ છે કે ગુજરાતે સતત ત્રણ નાણાકીય વર્ષ (૨૦૨૨,૨૦૨૩,૨૦૨૪)માં અનુક્રમે ડોલર ર.૭, ડોલર ૪.૭, ડોલર ૭.૩ બિલિયનનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ મેળવીને ઉત્તરોતર વૃદ્ધિ નોંધાવી છે.
ગુજરાતને સતત પ્રાપ્ત થનાર એફડીઆઈના પ્રવાહ અંગે, ગુજરાતના ઉદ્યોગ અને ખાણ વિભાગના મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, “આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આપણા મુખ્યમંત્રી સુનિશ્વિત કરી રહ્યા છે કે રાજ્યમાં રોકાણ અને વ્યવસાય માટે અત્યાધુનિક ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓ અને ઉદ્યોગોને અનુકૂળ નીતિઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીના વિશેષ પ્રયાસોને કારણે, ગુજરાતે સેમિકન્ડક્ટર જેવા મોટા ક્ષેત્રોમાં પણ મોટું રોકાણ પ્રાપ્ત કર્યું છે. ગુજરાતમાં એફડીઆઈના પ્રવાહમાં વૃદ્ધિના મુખ્ય કારણોમાં અત્યાધુનિક ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગોને અનુકૂળ નીતિઓ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો સમાવેશ થાય છે. ક્લસ્ટર-આધારિત ઔદ્યોગિક વસાહતો જેમ કે જીઆઈએફટી સિટી, સાણંદ જીઆઈડીસી, ધોલેરા એસઆઈઆર (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન), અને માંડલ બેચરાજી એસઆઈઆર પણ એફડીઆઈના પ્રવાહમાં મહત્વની ભૂમિકા ભજવે છે.