ગુજરાતની તમામ ૫૩,૦૬૫ આંગણવાડી કેન્દ્રોમાં ગેસ કનેક્શન અપાયા

પ્રતિકાત્મક
આંગણવાડી કેન્દ્રોમાં ગેસ સુવિધા પુરી પાડવાની પહેલ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય
વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં આપવામાં આવતા ગેસ કનેક્શન આપવા અંગે પુછાયેલા પ્રશ્નનો મહિલા અને બાળ કલ્યાણ વિભાગ વતી જવાબ આપતાં મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, આંગણવાડી કેન્દ્રોમાં ગેસ સુવિધા પુરી પાડવાની પહેલ કરનાર ગુજરાત એ સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય છે. ગુજરાતની ૧૦૦ ટકા આંગણવાડી કેન્દ્રમાં ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. હાલની પરિસ્થિતિમાં રાજ્યમાં ૫૩,૦૬૫ આંગણવાડીઓ કાર્યરત છે અને આ તમામ આંગણવાડી કેન્દ્રોમાં ગેસ કનેક્શન આપવામાં આવ્યાં છે.
મંત્રી શ્રી પાનસેરીયાએ ઉમેર્યું હતું કે, ખેડા જિલ્લામાં તમામ આંગણવાડી કેન્દ્રમાં ૧,૯૭૯ ગેસ કનેક્શન, ગાંધીનગરમાં તમામ ૯૫૧, મહીસાગરમાં તમામ ૧,૩૧૬, અરવલ્લીમાં તમામ ૧,૪૫૦, જામનગરમાં તમામ ૮૮૮ આંગણવાડી કેન્દ્રમાં ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. ગેસ કનેક્શન આપવા માટે એક આંગણવાડી દીઠ રૂ .૬,૬૩૦નો ખર્ચ થાય છે.
વધુ માહિતી આપતા મંત્રીશ્રી ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકર અને બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને તેમના આરોગ્યને નુકશાન ન થાય તેવા ઉમદા હેતુથી આંગણવાડી કેન્દ્રોમાં ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. આંગણવાડી કેન્દ્રમાં ગેસ કનેક્શન આપવાથી આંગણવાડી કાર્યકર, હેલ્પર તથા બાળકોને લાકડાના ધુમાડાથી આંખો અને ફેફસાને થતું નુકશાન અટકે છે, પર્યાવરણનું રક્ષણ થાય છે, આ ઉપરાંત ખોરાક ઝડપથી તૈયાર થાય છે.
આ ઉપરાંત પેટા પ્રશ્નના ઉત્તરમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આંગણવાડી કેન્દ્ર ખાતે અપાયેલાં ગેસ કનેક્શનમાં સુરક્ષાની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. અધિકારીઓ દ્વારા સમયાંતરે તેનું ચેકિંગ પણ કરવામાં આવે છે જો ક્ષતિ જણાય વહેલામાં વહેલી તકે તે ક્ષતિને દૂર કરવામાં આવે છે.