Western Times News

Gujarati News

ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરાશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવાની જાહેરાત ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટમાં કરી છે.

વિશ્વનેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત @2047નું લક્ષ્ય રાખ્યું છે. ગુજરાતે આ લક્ષ્યને હાંસલ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લીવિંગ વેલ અને અર્નિગ વેલના આધારે વિકસિત ગુજરાત @2047નો રોડ મેપ ઘડ્યો છે.

આ રોડમેપના આધારે વિકસિત ગુજરાતનો ધ્યેય પ્રાપ્ત કરવા ગુજરાતમાં વહીવટી તંત્રની કાર્યક્ષમતા, અસરકારકતા અને પ્રતિભાવશીલતા વધારવી જરૂરી છે.

આ સમગ્ર બાબતોની વ્યાપક સમીક્ષા અને રાજ્યના વહીવટી માળખા અને વહીવટનો સમગ્રલક્ષી અભ્યાસ કરી તેમાં સુધારા સૂચવવા અને જરૂરી ફેરફાર કરવા માટે અવકાશ છે કે કેમ તેની વિચારણા કરવા આ ગુજરાત વહીવટી સુધારણા પંચ કાર્યરત થશે.

રાજ્યના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિઓમાં જરૂરી ફેરફારો કરવા માટે રચાનારા આ ગુજરાત વહીવટી સુધારણા પંચમાં અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સલાહકાર શ્રી હસમુખ અઢિયા ઉપરાંત અન્ય પાંચ સભ્યોની સમિતિની નિમણૂક કરાશે.

તેમાં સભ્ય તરીકે મુખ્ય સચિવશ્રી, અધિક મુખ્ય સચિવશ્રી/અગ્ર સચિવશ્રી/સચિવશ્રી(કર્મચારીગણ પ્રભાગ) GAD, અધિક મુખ્ય સચિવશ્રી/અગ્ર સચિવશ્રી/સચિવશ્રી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, અધિક મુખ્ય સચિવશ્રી/અગ્ર સચિવશ્રી/સચિવશ્રી નાણાં વિભાગ તથા સભ્ય સચિવ તરીકે અધિક મુખ્ય સચિવશ્રી/અગ્ર સચિવશ્રી/સચિવશ્રી (વહીવટી સુધારણા, તાલિમ પ્રભાગ અને એન.આર.આઈ.) GADની નિમણૂક થશે.

 આ ગુજરાત વહીવટી સુધારણા પંચ વહીવટી અને શાસન માળખું, માનવશક્તિનું તર્કસંગતીકરણ અને માનવ સંસાધન વ્યવસ્થાપન, નાણાકીય વ્યવસ્થાપન અને સંસાધન ઓપ્ટિમાઈઝેશન, વિકેન્દ્રિકરણ અને સ્થાનિક શાસન, ટેક્નોલોજી અને નવીનતાનો ઉપયોગ, દેખરેખ અને મૂલ્યાંકન માળખાનો અભ્યાસ કરી તે અંગે વિચારણા કરીને સરકારને ભલામણો રજૂ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.