અમદાવાદમાં ૫૪ લાખની લૂંટનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલ્યો
આ લૂંટ કેસમા હજુ ત્રણ આરોપી વોન્ટેડ
(એજન્સી) અમદાવાદ, ઓઢવમાં આંગડિયા પેઢીમાં થયેલ ૫૪ લાખની લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી કાઢ્યો છે. ક્રાઈમ બ્રાંચે ફિલ્મી ઢબે લૂંટારાઓ સાથે ઘર્ષણ કરીને રાજસ્થાનથી ચાર લૂંટારાઓની ધરપકડ કરી. જ્યારે બે લૂંટારાઓની શોધખોળ શરૂ કરી. આ ઓપરેશન એવું હતું એક ઘડી એવી પણ આવી ગઈ કે પોલીસ અથવા આરોપી પક્ષમાંથી કોઈનો જીવ પણ જઈ શકતો હતો. Gujarat Ahmedabad Crime branch solves Rs 54 lakh robbery case
આ વિશે મળતી માહિતી પ્રમાણે પોલીસ કસ્ટડીમાં લીધેલા આરોપીમાં કેસરસિંહ ભાયલ, તેજસિંગ ભાયલ, ઈશ્વરસિંહ ચૌહાણ અને પ્રવિણસિંહ પરમાર છે. આ આરોપીઓએ ઓઢવમાં પીએમ આંગડિયા પેઢીમાં પિસ્ટલ દેખાડીને દિલધડક લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.
પરંતુ ક્રાઈમ બ્રાંચે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને આરોપીઓને ઝડપી લીધા છે. ક્રાઈમ બ્રાંચના ૩ ઓફિસર અને ૬ લૂંટારાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પરંતુ જાંબાજ પોલીસે ચાર આરોપીને ઝડપી લીધા, જ્યારે બે આરોપી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. આરોપીઓ પાસેથી ૧૯ લાખની રોકડ, મોબાઈલ, પિસ્ટલ અને જીવતા કારતૂસ સહિત ૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
૫૪ લાખની લૂંટનો માસ્ટર માઈન્ડ મૂળ રાજસ્થાનનો કેશરસિંહ ભાયલ છે. કેશરસિંહ અગાઉ ૨૦૧૭મા ઓઢવમાં રહેતો હતો અને વેપારી મહામંડળ મા પુઠાના કારખાનામાં કામ કરતો હતો. જેથી તેને પીએમ આંગડિયા પેઢીમાં લાખોના હવાલાની જાણકારી હતી અને તેણે હથિયાર સાથે લૂંટનુ ષડયંત્ર રચ્યું. પોતાના મિત્ર નિતેષ સિંહ ચૌહાણ સાથે મળીને એક મહિના પહેલા કેશરસિંહ આંગડીયા પેઢીની રેકી કરી હતી અને ત્યારબાદ અન્ય સાગરીતો સુરેન્દ્રસિંહ ચૌહાણને લૂંટના ષડયંત્ર મા સામેલ કર્યો હતો.
આ ત્રિપુટીએ અન્ય લોકોને લૂંટમાં સામેલ કરવા માટે દારૂની મહેફીલ રાખી હતી. જયા નિકુસિહ ઉદાવત, તેજસિંહ ભાયલ અને પ્રવિણસિંહ પરમારને પણ લૂંટના ષડયંત્રમાં સામેલ કર્યા હતા. આ આરોપીઓ રાજસ્થાનથી ટ્રેનમાં આવ્યા હતા અને બાઈક ચોરી કરીને ભાડે રીક્ષા કરીને આંગડિયા પેઢીમાં લૂંટ કરવા પહોંચ્યા.
પરંતુ ભીડના કારણે તેઓએ લૂંટ કરી શક્યા ન હતા. ત્યારબાદ બીજા દિવસે વધુ એક બાઈકની ચોરી કરીને આ ટોળકી આંગડિયા પેઢીમાં પહોચી હતી અને પિસ્ટલ દેખાડીને લૂંટને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. પરંતુ ક્રાઈમ બ્રાંચે સીસીટીવી ફુટેજના આધારે આરોપીને ઝડપી લીધા..
લૂંટને અંજામ આપીને આરોપીઓએ ચોરીના મોબાઈલ અને બાઈક બિનવારસી મુકી દીધા. અને બાવળાથી ગાડી ભાડે કરીને રાજસ્થાન પહોચીને લૂંટના પૈસાના ભાગ પાડ્યા હતા. આ લૂંટ કેસમા હજુ આરોપી સુરેન્દ્રસિંહ ચૌહાણ, નિતેષ સિંહ અને નિકુસિહ ફરાર હોવાથી તેઓની ધરપકડને લઈને કાર્યવાહી હાથ ધરી છે.