દરિયાપુરમાંથી દેશી બોમ્બ સાથે એકની ધરપકડ કરાઈ
૪ દેશી બોમ્બ અને એક ધારદાર છરો મળી આવ્યો
અમદાવાદ, અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં હાથ બનાવટના ૪ દેશી બોમ્બ અને એક ધારદાર છરા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. Gujarat-ahmedabad-dariyapur-area-in-4-home-made-bombs-were-seized
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, કાપડની થેલીમાં એક ઈસમ દેશી બોમ્બ લઈને દાણીલીમડાથી રિવર ફ્રન્ટ તરફ ફૂટપાથ પર ચાલતો ચાલતો સરદાર બ્રિજ નીચે રિવર ફ્રન્ટથી એલીસબ્રીજ તરફ જઈ રહ્યો છે.
આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો છે. પોલીસે દરિયાપુરના પોપટિયા વાડમાં રહેતા જાવેદ ખાન બલોચની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે હાથ બનાવટના ૪ દેશી બોમ્બ અને એક ધારદાર છરો મળી આવ્યો છે. જાેકે, બોમ્બ મળતા જ ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક બોમ્બ ડિસ્પોઝલ ટીમને જાણ કરી હતી
અને બોમ્બને સુરક્ષિત જગ્યાએ લઈ જઈ રિફયુઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દેશી બોમ્બ બનાવવા પાછળ આરોપીની પૂછપરછમાં પણ ચોંકાવનારી હકીકત બહાર આવી છે. આરોપીએ પોતાના પૈસા લેનાર વ્યક્તિને ઇજા પહોંચાડવા માટે આ દેશી બોમ્બ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે.
હાલમાં પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે. તે આ બોમ્બ બનાવતા કેવી રીતે અને ક્યાંથી શીખ્યો તે અંગે પણ વધુ તપાસ શરૂ કરી છે. આ આરોપી અગાઉ આઠ વર્ષ પહેલાં દરિયાપુર પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનાઓમાં પકડાયેલો છે.