આઝાદીના શતાબ્દી પર્વે ગુજરાતને 1 ટ્રીલિયન ડોલર ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય: મુખ્યમંત્રી
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને FICCIની નેશલન એક્ઝિક્યુટિવ કમિટિ મિટિંગનો શુભારંભ
Ø ઇન્ડસ્ટ્રીઝના વિકાસ સાથે પર્યાવરણની તકેદારી રાખવા જરૂરી વ્યવસ્થાઓ કરવા સરકાર આપની સાથે ગુજરાત, મહારાષ્ટ્ર,ઓરિસ્સા, તમિલનાડુ સહિતના રાજ્યોથી આવેલા કમિટિ મેમ્બર્સે કર્યો પરામર્શ
અમદાવાદમાં આયોજિત FICCIની નેશલન એક્ઝિક્યુટિવ કમિટિ મિટિંગને સંબોધિત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ સમિટના વીસ વર્ષ પૂરા થવા પર “સમિટ ઓફ સક્સેસ”ની ઉજવણી થઈ.
તેમણે કહ્યું કે, વાયબ્રન્ટ સમિટ બ્રાન્ડિંગ નહીં પણ બોન્ડિંગની વડાપ્રધાનશ્રીની લાગણીને FICCIએ ખરા અર્થમાં સાર્થક કરી છે. ત્યારે આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાની સરકારની તૈયારી છે. જેના માટે જાન્યુઆરી ૨૦૨૪માં આયોજિત થનારી વાયબ્રન્ટ સમિટની થીમ “ગેટ વે ટુ ધ ફ્યુચર” રાખવામાં આવી છે. એમ તેમણે કહ્યું.
૨૦૦૩થી આજદિન સુધીની દરેક વાયબ્રન્ટ સમિટમાં FICCIની સહભાગિતાને બિરદાતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતને ભારતના ગ્રોથ એન્જીન તરીકે ઓળખ અપાવવામાં FICCIનું મહત્વનું યોગદાન છે. અને આઝાદીના શતાબ્દી પર્વે ગુજરાતને ૧ ટ્રીલિયન ડોલર ઇકોનોમી બનાવવાના સરકારના લક્ષ્યની પૂર્તિ માટે પણ યોગદાન મળશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો. Gujarat aims to make 1 trillion dollar economy on independence centenary: Chief Minister
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે અભૂતપૂર્વ પ્રગતિ કરીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ખ્યાતિ મેળવી. તેમણે ઉમેર્યું કે, કોરોનાકાળમાં જ્યારે દુનિયાનો કારોબાર અટકી ગયો હતો ત્યારે વડાપ્રધાનશ્રીએ દરેક ભારતીયમાં આત્મવિશ્વાસ ભર્યો. જેના કારણે દેશ વિશ્વવ્યાપી મહામારીમાંથી ઉગરી શક્યો. એમ તેમણે ઉમેર્યું.
ગુજરાતના અવિરત વિકાસ વિશે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, દેશમાં ગુજરાતની ભૌગોલિક ભાગીદારી ૬ % છે જ્યારે જીડીપી માં ૮% યોગદાન છે. કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ ગુજરાતનું યોગદાન ૧૮% છે. સાથોસાથ દેશની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો ૩૦ ટકા છે. તેમણે કહ્યું કે, બે દાયકા પહેલા રાજ્યનું કુલ ઔદ્યોગિક ઉત્પાદન ૧.૨૭ લાખ કરોડ હતું જે હવે ૧૬.૧૯ લાખ કરોડ સુધી પહોંચ્યું છે. આમ, ગુજરાત એક મોડલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયું છે.
ગુજરાતને પોલિસીડ્રિવન રાજ્ય ગણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, તાજેતરમાં જ ગુજરાતે રિન્યુએબલ એનર્જી પોલિસી લોન્ચ કરી છે. પોલિસી દ્વારા વિન્ડ, સોલાર અને હાઇડ્રો એનર્જી પ્લાન્ટ સ્થાપવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આ પોલિસી થકી આગામી સમયમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પાંચ લાખ કરોડનું રોકાણ થવાની આશા તેમણે વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ પર્યાવરણની જાળવણી પર ભાર મુકતા જણાવ્યું કે, ઉદ્યોગ-વ્યવસાયમાં ગુણવત્તા પર જેટલું ધ્યાન આપવામાં આવે છે તેટલું ધ્યાન પર્યાવરણ માટે હાનિકારક બાય પ્રોડક્ટ પર પણ આપવામાં આવે તે જરૂરી છે. પર્યાવરણ જાળવણી માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં FICCI જેવા સંગઠનો અગ્રીમ ભૂમિકા ભજવે તેવું આહવાન કરી રાજ્ય સરકાર તેમની પડખે રહેશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો.
આજના પ્રસંગે FICCIના હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું અનોખી રીતે સ્વાગત કરાયું હતું. તીર્થધામ વૈષ્ણોદેવી ખાતે આ ખાસ પ્રસંગ નિમિત્તે ૧૦ વૃક્ષો વાવવામાં આવશે. જેના પ્રમાણરૂપે “ગ્રીન સર્ટિફિકેટ” મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરાયું.
મિટિંગમાં FICCIના પ્રેસિડેન્ટ શ્રી સુબ્રકાંત પાંડા, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી હર્ષવર્ધન અગ્રવાલ, ગુજરાત એકમના પ્રેસિડેન્ટ શ્રી રાજીવ ગાંધી, પૂર્વ પ્રેસિડેન્ટ અને ઝાયડ્સ ગ્રુપના ચેરમેન શ્રી પંકજ પટેલ તથા ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, તમિલનાડુ સહિતના રાજ્યોથી આવેલા કમિટિ મેમ્બર્સે પરામર્શ કર્યો.