Western Times News

Gujarati News

ગુજરાતમાં આયુષ્માન કાર્ડ હશે તો પણ નહીં મળે હૃદય રોગની સારવાર

ખાનગી હોસ્પિટલોએ બાંયો ચડાવી

હાલના દરો એટલા ઓછા છે કે હોસ્પિટલો અને કાર્ડિયોલોજીસ્ટ ગુણવત્તાસભર સારવાર આપવામાં નિષ્ફળ જાય છે

અમદાવાદ,અમદાવાદ સહિત ગુજરાતભરની ખાનગી હોસ્પિટલોમાં આગામી ૧ થી ૭ એપ્રિલ દરમિયાન આયુષ્યમાન ભારત યોજના હેઠળ કાર્ડિયોલોજી સેવાઓ અસ્થાયી ધોરણે બંધ કરવાની ગુજરાત ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ્‌સ ફોરમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેમની માગણી છે કે કાર્ડિયોલોજી સારવાર માટે મળતા વળતરના દરો હાલની આર્થિક પરિસ્થિતિઓ મુજબ નથી. છેલ્લાં દાયકા દરમિયાન સારવાર ખર્ચ સતત વધ્યો છે. પરંતુ, પેકેજના દરોમાં તે પ્રમાણે વધારો નથી થયો, જે દર્દીઓ માટે ગુણવત્તાસભર સારવારમાં અવરોધ ઊભો કરે છે.

ગુજરાત ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલાજિસ્ટ્‌સ ફોરમે એક યાદીમાં જણાવ્યું છે કે, PMJAY નો હેતુ આરોગ્યસંભાળ સુલભ બનાવવાનો છે. પરંતુ આર્થિક વાસ્તવિક્તાઓ-સારવાર ખર્ચની હકીકતને અવગણીને નક્કી કરાયેલા દર અવરોધરૂપ છે.PCI અને અન્ય પેકેજમાં પૂરતો વધારો નહીં થવાથી PMJAY હેઠળ ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી સેવા આપવી મુશ્કેલ બની રહી છે. જો યોગ્ય સુધારો નહીં કરવામાં આવે તો પહેલી એપ્રિલથી ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી માટેPMJAY હેઠળ સેવાઓ બંધ કરવા ફરજ પડશે. આ અંગે વિવિધ રજૂઆતો સાથેનું આવેદનપત્ર ગુજરાતના જિલ્લા કલેક્ટરોને આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ગુજરાત રાજ્ય આરોગ્ય એજન્સી અને PMJAY ના સત્તાધીશોને પણ રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ફોરમ દ્વારા કહેવાયું છે કે, હાલના દરો એટલા ઓછા છે કે હોસ્પિટલો અને કાર્ડિયોલોજીસ્ટ ગુણવત્તાસભર સારવાર આપવામાં નિષ્ફળ જાય છે. આ ઉપરાંત સ્થળ પર કાર્ડિયો થોરાસિક અને વેસ્ક્યુલર સર્જરીની ફરજિયાત હાજરીનો નિયમ પણ અવાસ્તવિક-અવ્યવહારુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.