Western Times News

Gujarati News

ગાંધીજીના પૌત્રએ ગાંધી આશ્રમને ૫૫૦ પત્રો ભેટ કર્યા

ગાંધીનગર: ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ અમદાવાદના ગાંધી આશ્રમને એ પત્રો ભેટ આપ્યા છે, જે ગાંધીજીએ ખુદ લખેલા હતા. ગોપાલકૃષ્ણ ગાંધીએ વર્ષો સુધી આ પત્રોને સાચવી રાખ્યા હતા. જેમાં ગાંધીજી અને તેમના પુત્ર દેવદાસ ગાંધી વચ્ચે થયેલા વાતચીત છે. દેવદાસ ગાંધી એ મહાત્મા ગાંધીના ચોથા પુત્ર અને ગોપાલકૃષ્ણ ગાંધીના પિતા હતા. ગાંધી પરિવાર તરફથી આશ્રમને કુલ ૫૫૦ પત્રો ભેટ મળ્યા છે,

જેમાં ગાધીજીએ લખેલા ૧૯૦ પત્રોનો સમાવેશ થાય છે. ગાંધીજીએ દેવદાસને ૧૯૨૦ થી ૧૯૪૮ દરમ્યાન આ પત્રો લખ્યા હતા. ગોપાલકૃષ્ણ ગાંધીએ જે પત્રો આશ્રમને આપ્યા છે તેમાં ગાંધીજીએ લખેલા ૧૯૦ પત્રો છે. ગાંધીજીએ આ પત્રોમાં હિન્દુ મુસલમાન એકતા માટે ૨૧ દિવસના ઉપવાસ કર્યા હતા તેનો ઉલ્લેખ કર્યો છે.

આ ઉપવાસ સંદર્ભે તેમણે દેવદાસને પત્રો લખ્યા હતા. ગાંધીજી તે સમયે મહાદેવ દેસાઇ અને સરદાર પટેલ સાથે યેરવડા જેલમાં હતા, ત્યારે દેવદાસ ગોરખપુર જેલમાં હતા તે સમયે બંને વચ્ચે પત્ર વ્યવહાર થયો હતો. યરવડા જેલમાં વપરાઇ ગયેલા કાગળમાંથી સરદાર પટેલ પરબીડીયા બનાવતા હતા. જેમાં ગાંધીજી પત્ર મોકલતા હતા.

તે પરબીડીયા પણ આશ્રમને આપવામાં આવ્યા છે. કસ્તુરબા ગાંધીએ તેમના હાથે લખેલા પત્રો આપ્યા હતા. સરદાર પટેલે દેવદાસને ગાંધીના લગ્ન પ્રસંગે લખેલો પત્ર પણ તેમાં સામેલ છે. બીજી ગોળમેજી પરીષદમા ગાંધીજી ૧૯૩૧માં બ્રિટન ગયા ત્યારે તેમની સાથે મહાદેવ દેસાઇ અને દેવદાસ પણ હતા, તે સમયે ગાંધીજીની મુલાકાતોની જે ડાયરીમાં નાંધ થતી હતી તે ડાયરી પણ તેઓએ આશ્રમને ભેટ આપી છે.

મહાદેવ દેસાઇ અને ચંદ્રશંકર શુક્લએ સાબરમતી આશ્રમની ગતિવિધિ વિશે દેવદાસને કેટલાક પત્રો લખ્યા હતા, જે પત્રો પણ તેઓએ આશ્રમને સોંપ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગોપાલકૃષ્ણ ગાંધીનો જન્મ ૨૨ એપ્રિલ ૧૯૪૫ના રોજ થયો હતો. તેઓ દેવદાસ ગાંધી અને લક્ષ્મી ગાંધીના પુત્ર છે. દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજથી અંગ્રેજી સાહિત્યમાં તેઓએ એમએ કરીને ૧૯૯૨ સુધી આઈએએસ તરીકે દેશમાં પોતાની સેવા આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.