ભારતનું ગ્રોથ એન્જિન, મેન્યુફેક્ચરિંગ હબ અને GSDP મુજબ ગુજરાત સૌથી ઝડપથી વિકસતા રાજ્યોમાંનું એક બન્યું : બળવંતસિંહ રાજપૂત
૭૫મું પ્રજાસત્તાક પર્વ : અમદાવાદ જિલ્લો-ઉદ્યોગ તેમજ શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની ગરિમામય ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લા કક્ષાના ૭૫મા પ્રજાસત્તાક પર્વની વિરમગામ ખાતે ભવ્ય ઉજવણી
Ø સેમિકન્ડક્ટર, ટેક્સટાઇલ, ગાર્મેન્ટ અને એપેરલ, નવી ઔદ્યોગિક નીતિ, સ્ટાર્ટ અપ, આઇ.ટી, ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાયોટેકનોલોજી જેવી ૨૦થી વધુ પોલીસીઓથી ગુજરાતના ઉદ્યોગોને વિકસિત કરવા સરકાર પ્રયાસરત
ઉદ્યોગ તેમજ શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે ૭૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના વિરમગામમાં શેઠ એમ.જે. હાઇસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી આન-બાન-શાન સાથે સલામી અર્પી હતી. વહીવટી તંત્ર સાથે પ્રજાજનોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે ૭૫મા પ્રજાસત્તાક પર્વની સૌને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, બંધારણના ઘડતરમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરનું અમૂલ્ય યોગદાન છે. સ્વતાતંત્ર્ય સેનાનીઓનું સ્મરણ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, તિલકજી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, સાવરકરજી, ભગતસિંહ જેવા શહીદોએ પોતાના જીવન આઝાદી માટેની આગમાં હોમી દીધા. યુદ્ધો દરમિયાન અને વિશ્વ શાંતિ માટે પોતાની ફરજ ઉપર શહીદ થયેલા દેશના જવાનો, પોલીસ મિત્રો અને નાગરિકોને આજના આ પાવન દિવસે યાદ કરી તેમના માતાપિતાને વંદન કરીએ, એવું તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદૃષ્ટિ અને વિકાસવંતા નેતૃત્વની પ્રશંસા કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીની વિકાસલક્ષી વિચારસરણીના આધારે ‘નયા ભારત’ની વિકાસયાત્રા શરૂ થઈ છે. જેમાં અંત્યોદય, સર્વાંગી વિકાસ, સહિત દેશમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક, આંતરમાળખાકીય અને નીતિ વિષયક ક્ષેત્રે ઐતિહાસિક કામ થયાં છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ગુજરાતને અવ્વલ રાખવા કટિબદ્ધ છે, તેમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગત વર્ષે જી-૨૦ની અધ્યક્ષતા અને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાથી વિશ્વમાં ભારત અને ગુજરાતનો ડંકો વાગ્યો છે. નવી નીતિઓ, શાંતિ, સલામતી, સુરક્ષા, સુશાસન, અને અંત્યોદયની પરિણામલક્ષી કામગીરીને કારણે ગુજરાત રોલ મોડલ રાજ્ય બન્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે ગુજરાત દેશના જીડીપીમાં ૮%, ફેક્ટરીઓમાં ૧૧%, ઉત્પાદનમાં ૧૮%, નિકાસમાં ૩૩% હિસ્સો ધરાવે છે. ગુજરાત છેલ્લાં ત્રણ વર્ષથી નિકાસમાં પ્રથમ સ્થાન ધરાવે છે. સેમિકન્ડક્ટર, ટેક્સટાઇલ, ગાર્મેન્ટ અને એપેરલ, નવી ઔદ્યોગિક નીતિ, સ્ટાર્ટ અપ, આઇ.ટી, ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાયોટેકનોલોજી જેવી ૨૦થી વધુ પોલીસીઓથી ગુજરાતના ઉદ્યોગોને વિકસિત કરવામાં રાજ્ય સરકાર ગુજરાતના ઉદ્યોગોને વિકસિત કરવા સરકાર પ્રયાસરત છે, એવું તેમણે ઉમેર્યું હતું.
શ્રી રાજપૂતે કહ્યું કે, વિકસિત ભારતના નિર્માણ માટે ગુજરાતે સૌથી પહેલો પોતાનો રોડમેપ તૈયાર કર્યો છે અને ૨૦૪૭ સુધી જીએસડીપી ૩.૫ ટ્રિલિયન યુ.એસ. ડોલર સુધી તથા માથાદીઠ આવક ૩૮થી ૪૩ હજાર યુ.એસ.ડોલર સુધી લઈ જવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. સાથોસાથ રોજગારીમાં નારીશક્તિને ૭૫% સુધી વધારવા તથા ગ્રીન ક્લીન એન્વાયરમેન્ટ માટે તથા ફોસિલ ફ્યુઅલ પરનું ભારણ ઘટાડવા ૨૦૪૭ નેટ ઝીરો એમિશન રાજ્ય બનવાનું સરકારનું લક્ષ્ય છે, એવું તેમણે ઉમેર્યું હતું.
ઔદ્યોગિક વિકાસ પર સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યના તમામ જિલ્લાઓમાં એક સમાન ઔદ્યોગિક વિકાસ થાય તે માટે દરેક તાલુકે એક ઔદ્યોગિક વસાહત સ્થાપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ત્રણ વર્ષ સુધી અમુક મંજૂરીઓ લેવામાંથી મુક્તિ, ૦૫ ઝોનલ કાઉન્સિલ, પંદરસો (૧૫૦૦) કરોડના ગત વર્ષના બજેટની ફાળવણી કરીને એમ.એસ.એમ.ઈ.ને વિકસવા માટે માહોલ ઊભો કરવામાં આવ્યો છે.
યુવાનોમાં કૌશલ્યવર્ધન રાજ્ય સરકારની પ્રાથમિકતા છે એમ જણાવતા મંત્રીશ્રીએ કહ્યું કે, યુવાનોને કૌશલ્યવાન બનાવવા માટે ૨૮૮ સરકારી, ૧૦૧ ગ્રાન્ટ ઈન એઈડ અને ૧૬૯ સ્વનિર્ભર મળીને કુલ ૫૫૮ આઈ.ટી.આઈ.માં ૨ લાખથી વધુ યુવાનો તાલીમ લઈ રહ્યા છે. બાંધકામની સાઈટો ઉપર કામ કરતાં શ્રમિકોના પોષણ માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવાં ૧૫૫ કેન્દ્રો આ વર્ષે ખુલ્યાં છે. આમ કુલ ૨૭૭ કેન્દ્રો મારફતે ૭૮ લાખ લોકો રૂપિયા ૦૫માં પૌષ્ટિક ભોજન મેળવી રહ્યાં છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ૯૬ કેન્દ્રો કાર્યરત છે, એમ તેમણે ઉમેર્યું હતું.
સંસદમાં અમદાવાદ- ગાંધીનગરનું પ્રતિનિધિત્વ કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહનું માર્ગદર્શન પણ આ જિલ્લાને સતત મળતું રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૪૭માં દેશની આઝાદીના સો વર્ષ પૂરાં થાય ત્યાં સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવા આહવાન આપ્યું છે. આ માટે આપણે સૌએ યોગદાન આપીને સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના પ્રયાસનો મંત્ર ચરિતાર્થ કરવાનો છે, એવું તેમણે ઉમેર્યું હતું.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં આ યાત્રા સફળતાપૂર્વક સમ્પન્ન થઈ છે તથા લાખો લોકોને ઘરે બેઠા યોજનાઓનો લાભ પ્રાપ્ત થયો છે. આ માટે જિલ્લા વહીવટી તંત્ર અભિનંદનને પાત્ર છે, એવું તેમણે ઉમેર્યું હતું.
તાજેતરમાં અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા માટે લોકોને શુભેચ્છા પાઠવતા મંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રીએ આ નિમિત્તે ‘દેશથી દેવ’ અને ‘રામથી રાષ્ટ્ર’નો જે મંત્ર આપ્યો છે, તેને સાથે મળીને સાકાર કરવાનો છે. આજના અવસરે ધ્વજવંદન કરીને રાષ્ટ્ર ધ્વજને સલામી આપ્યા બાદ ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે પરેડ કમાન્ડર ડૉ. રોશની સોલંકીના નેતૃત્વમાં પરેડની સલામી ઝીલી વિવિધ પોલીસ દળની પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
ત્યારબાદ પીએમ આવાસ યોજના, આયુષ્યમાન ભારત યોજના, પીએમ વિશ્વકર્મા યોજના, સર્વ શિક્ષા અભિયાન, પ્રાકૃતિક ખેતી, નંદઘર, સૌર ઊર્જા, વ્હાલી દીકરી યોજનાને રજૂ કરતા કલાત્મક ટેબ્લોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન સમારંભ બાદ મંત્રી શ્રી અને મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી શ્રી દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ અધિકારીશ્રીઓને પ્રશંસાપત્ર તેમજ રમત-ગમતમાં પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી હાર્દિક પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવે, અમદાવાદ જિલ્લા પોલીસ વડા શ્રી મેઘા તેવર, અધિક નિવાસી કલેકટર શ્રી સુધીર પટેલ, પ્રાંત અધિકારીશ્રી જય બારોટ, જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, શાળા – કોલેજોના વિદ્યાર્થીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.