Western Times News

Gujarati News

ગુજરાતના નેતાઓને ભાજપે આપી મોટી જવાબદારી

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ એક્શન મોડમાં

(એજન્સી)અમદાવાદ, ભાજપ ચૂંટણી યોજાય તે પહેલા જ ચૂંટણીની તૈયારીમાં લાગી જતું હોય છે. આવું એક વખત નહીં પરંતુ અનેક વખત આપણે જોયું છે. મહારાષ્ટ્ર હોય, હરિયાણા હોય કે પછી જમ્મુ એન્ડ કાશ્મીર હોય કે અન્ય કોઈ રાજ્યની ચૂંટણી હોય, ભાજપ આગોતરું આયોજન કરવામાં માહેર છે. આ આગોતરા આયોજનના કારણે ભાજપને પરિણામ પણ મળે છે.

તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપને આગોતરા આયોજન થકી સફળતા મળી છે. આગોતરા આયોજનમાં ભાજપે વિવિધ રાજ્યોના સક્રિય કાર્યકર્તાઓને જવાબદારી ચૂંટણી માટે સોંપવામાં આવે છે.

આ જવાબદાર કાર્યકર્તાઓ બુથ તેમજ મંડળ સહિતના લોકો સાથે વાર્તાલાપ કરી, માઇનસ બુથો હોય, ભાજપને કેમ સમર્થન કરતા નથી જેવી તમામ પ્રકારના કારણો શોધી અને ભાજપ કેવી રીતે જીતે તે માટેનો રોડ મેપ નક્કી કરતા હોય છે. આવી જ કાર્યવાહી વધુ એક વખત દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાઈ તે પૂર્વે જોવા મળી રહી છે.

૨૦૨૫માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીની ટર્મ પૂરી થવા જઈ રહી છે. ચૂંટણીને લઈને ભાજપ અત્યારથી જ એક્ટિવ થઈ ચૂક્યું છે. જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના કેટલાક કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી છે. જે અંતર્ગતની વાત કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાને જવાબદારી સોંપવામાં આવ્યું છે.

ડૉ. મનસુખ માંડવિયા હાલ કેન્દ્રીય રમતગમત વિભાગના મંત્રી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખૂબ નજીકના નેતા છે. પ્રધાનમંત્રી મોદીએ અનેક વખત વિવિધ વિધાનસભાની ચૂંટણીની જવાબદારી પણ મનસુખ માંડવિયાને સોંપવામાં આવી છે. તેને સારી રીતે પાર પાડી છે, ત્યારે વધુ એક વખત આ જ પ્રકારની જવાબદારી મનસુખ માંડવિયાને મળી છે.

એવી જ રીતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને તાજેતરમાં નિરીક્ષક તરીકેની જવાબદારી મહારાષ્ટ્રમાં સોંપવામાં આવી હતી. હવે દિલ્હી વિધાનસભાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. દિલ્હી વિધાનસભામાં સંગઠનલક્ષી કામગીરીની જવાબદારી વિજય રૂપાણીના શિરે છે. હાલ વિજય રૂપાણી પંજાબ રાજ્યના ભાજપના પ્રભારી તરીકેની કામગીરી પણ કરી રહ્યા છે.

તેવી રીતે રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંક નાયકને પણ દિલ્હી વિધાનસભા યોજાઈ તે પૂર્વે દિલ્હી વિધાનસભા બેઠકની કામગીરી સોંપવામાં આવી છે. ઓબીસી સમુદાયના દિલ્હીમાં વસતા નેતાઓ સાથેનો સંપર્ક કરવાનું તેમજ નાના સમાજો સાથે રાજ્યની કેન્દ્રીય નેતૃત્વ એ કરેલી કામગીરીના લેખાજોખા સાથે ગ્રાઉન્ડમાં જાય તે પ્રકારની કામગીરી તેમને સોંપવામાં આવી છે.

આ ઉપરાંત વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકરને પણ નિરીક્ષક તરીકે સેન્સ માટે જોડાવાની કામગીરી પણ સોંપવામાં આવી છે. અમિત ઠાકર હાલ વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય છે. તદુપરાંત તેઓએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પણ ખૂબ સારી કામગીરી કરી હતી.

મહિનાઓ સુધીનો પ્રવાસ, ચૂંટણીલક્ષી કામગીરી મહારાષ્ટ્ર વિધાનસભામાં વિવિધ બેઠકો ઉપર અમિત ઠાકરે કરી હતી. તેમાં વિવિધ બેઠકોની જીત માટે પણ મહેનતને ધ્યાનમાં રાખીને વધુ એક વખત દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂર્વે તેમને જવાબદારી સોંપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાઈ તે પૂર્વે ભાજપે આગોતરા આયોજનના ભાગરૂપે ગુજરાત ભાજપના અનેક નેતાઓને કામગીરી સોંપવામાં આવી છે. ભાજપ દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાઈ તે પૂર્વે જ એક્શન મોડમાં આવી ચૂક્યું છે. હવે જોવાનું એ રહેશે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર સામે ભાજપ કેટલું કાઠું કાઢે છે? કેટલી બેઠકો સાથે વિજય મેળવે છે? તે તો સમય નક્કી કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.