ગુજરાત ભાજપને ટૂંક સમયમાં મળી શકે છે નવા પ્રદેશ પ્રમુખ
(એજન્સી)અમદાવાદ, બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક ચાલી રહી છે. આજે આ બેઠકનો બીજો દિવસ છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો, પ્રદેશ ભાજપના હોદ્દેદારો, તાલુકા-જિલ્લા પંચાયતના પ્રમુખો-ઉપપ્રમુખો, નગરપાલિકા-મહાનગર પાલિકાના પ્રમુખો-મેયરો હાજર રહ્યા હતા.
આજે મળેલી આ કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળ સંપત્તિ મંત્રી સી.આર પાટીલે હાઈકમાન્ડને મોટી રજૂઆત કરી છે. આ ઉપરાંત તેમણે જે લોકોનું બુથ માઈનસમાં ગયું છે, તેવા લોકોને હોદ્દો આપવા ન જોઈએ. આ નિવેદનના પગલે ગુજરાત પ્રદેશ પ્રમુખના નામની ગમે ત્યારે જાહેરાત થઈ શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
આજની કારોબારી બેઠકમાં સી.આર પાટીલે હાઈકમાન્ડને રજૂઆત કરી છે કે ‘મને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરો’ સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર પાટીલે કહ્યું કે, મારો કાર્યકાળ પૂર્ણ થયો છે, અને પાર્ટીના ‘એક વ્યક્તિ એક હોદ્દા’ની નીતિ હેઠળ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી અન્ય કોઈને સોંપવામાં આવે. અહીં નોંધનીય છે કે, નવસારીથી લોકસભાની ચૂંટણી જીત્યા બાદ હવે સી.આર પાટીલને દિલ્હી કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે.
આ બેઠકમાં આ કારોબારીમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષનું નામ પણ જાહેર થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી હતી, ત્યારે આ બેઠકમાં પ્રદેશ કારોબારીમાં પ્રમુખ સી. આર. પાટીલે મોટું નિવેદન આપ્યું છે.
સીઆર પાટીલે કહ્યું કે, આપણે નિર્ણય કર્યો હતો કે, એક વ્યક્તિ એક હોદ્દો. જેથી પાર્ટીમાં એક વ્યક્તિ એક હોદાનો નિયમ હોવાના કારણે પ્રમુખની જવાબદારીમાંથી મને મુક્ત કરો. હાઈકમાન્ડને વિનંતી કરી છે, પરંતુ પાર્ટીના કાર્યકરોને પણ મારી લાગણી પહોંચાડું છું, અન્ય કોઈ આગેવાનને જવાબદારી સોપો. જે બધાને સાથે લઈને ચાલે અને પાર્ટીને વધુ સફળતા અપાવે.જેનું બુથ માઇનસ હોય તેને હોદો ન આપવો જોઈએ.
મેં હાઈ કમાન્ડને કહ્યું છે કે, મને મુક્ત કરો મારા કાર્યકાળમાં કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરશો. અહીં મહત્વનું છે કે, સીઆર પાટીલનું આ એક વ્યક્તિ એક હોદ્દાના નિર્ણય અંગેના નિવેદન પરથી લાગી રહ્યુ છે કે, ભાજપમાં અન્ય પણ જે લોકો બે હોદ્દા ભોગવી રહ્યા છે તેમનું પણ એક પદ છીનવાશે. આ સાથે ભાજપ પ્રદેશ કારોબારીમાં સીઆર પાટીલના સૂચક નિવેદનના પગલે હવે ગમે ત્યારે રાજ્ય ભાજપને નવા પ્રમુખ મળી શકે છે.