ગુજરાત બોર્ડની ધો.૧૨ની પરીક્ષાની તારીખમાં આ કારણસર ફેરફાર કરાયો
(એજન્સી)અમદાવાદ, ધોરણ ૧૨ની પરીક્ષાની તારીખમાં ફેરફારના સમાચાર સામે આવ્યા છે. આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા નિર્ણય લેવાયો છે. ધૂળેટીની રજા ૧૩ માર્ચે હોવાથી પરીક્ષા તારીખમાં ફેરફાર કરાયો છે. ભૂગોળની પરીક્ષા ૭ માર્ચના સ્થાને ૧૨ માર્ચ યોજાશે. સામાજિક વિજ્ઞાન, ચિત્રકામ અગ્રિકલચર સહિતના વિષય પરીક્ષા ૧૫ માર્ચે યોજાશે. ૧૩ તારીખે આયોજિત ફારસી, સંસ્કૃત, અરબી, પ્રકૃતની પરીક્ષા ૧૭ માર્ચે યોજાશે.
અગામી ફેબ્રુઆરી અને માર્ચ ૨૦૨૫માં ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવશે. અગાઉ ૨૭ ફેબ્રુઆરીથી ૧૩ માર્ચ સુધી પરીક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં હવે ઉપર મુજબના ફેરફાર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે દર વર્ષની સરખામણીએ આ ચાલુ વર્ષે વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા વહેલી લેવામાં આવશે.
ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ૨૭ ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. જ્યારે સામાન્ય પ્રવાહની પરીક્ષા ૧૩ માર્ચે પૂરી થવાની હતી, જે હવે ૧૭ માર્ચે પૂરી થશે. ધોરણ ૧૦માં પ્રથમ પેપર ભાષાનું રાખવામાં આવ્યું છે. ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ માટેનો સમય ૧૦થી ૧.૧૫ સુધીનો રહેશે. જ્યારે ધો.૧૨ના વિદ્યાર્થીઓ માટેનો સમય ૩થી ૬.૧૫ સુધીનો હશે.
ઉલ્લેખનીય છે કે, બોર્ડની પરીક્ષા પૂરી થયા પછી ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે. ગુજકેટની પરીક્ષાની તારીખ પણ અગાઉ જાહેર કરી દેવામાં આવી હતી. ૨૩ માર્ચે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા લેવાશે. જેમાં સવારના ૧૦ વાગ્યાથી લઈને સાંજના ૪ વાગ્યા સુધી વિવિધ એક્ઝામ સેન્ટર પર આ પરીક્ષા યોજાશે. સમગ્ર મામલે ગુજરાત બોર્ડની વેબસાઈટ પર દરેક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ ત્યાં જઈને વિગતવાર પરીક્ષાનો કાર્યક્રમ જોઈ શકશે.