Western Times News

Gujarati News

એલ.ડી. એન્જી. અને અન્ય 6 સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે AI લેબ બનાવાશે

ગુજરાતના બજેટમાં વિવિધ શિષ્યવૃત્તિઓ માટે 4827 કરોડની જોગવાઇઃ નાણાંમંત્રી

ગાંધીનગર, ગુજરાતની આશરે ૩૬% વસ્તી યુવા છે. રાજ્યની આ યુવાશક્તિની પ્રગતિ માટે અમારી સરકાર તેમને જરૂરી શિક્ષણ, સંસાધનો તથા રોજગારી ઉપલબ્ધ કરાવવા સતત કાર્યરત છે. સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા ૮૧ લાખથી વધુ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ થકી શિક્ષણને સુલભ બનાવવા દરેક તબક્કે વિવિધ શિષ્યવૃત્તિઓ માટે ₹૪૮૨૭ કરોડની જોગવાઇ સૂચવું છું.

યુવાનો ઉચ્ચ અભ્યાસ મેળવી શકે તે માટે અલગ અલગ ૧૦ જિલ્લાઓમાં કુલ ૨૦ સ્થળોએ સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બાંધવામાં આવશે. જેનો લાભ ૧૩ હજારથી વધુ વિદ્યાર્થીઓને મળશે.

“ખેલે તે ખીલે”ના અભિગમ સાથે ગુજરાતના યુવાનો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સુવિધાઓ સ્થાપવાનું આયોજન છે. યુવાનોને વિવિધ રમતગમત સ્પર્ધાઓ માટે તૈયાર કરવા ઓલિમ્પિક રેડીનેસ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવેલ છે. અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્પોર્ટ્‍સ એન્‍કલેવ અને કરાઇ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્‍સ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આઇ.ટી.આઇ.ના તાલીમાર્થીઓને ઉદ્યોગોની માંગ અનુરૂપ ટેકનોલોજી અને અદ્યતન સાધનોથી તાલીમ મળી રહે તે ઉદ્દેશથી આઇ.ટી.આઇ ને અપગ્રેડ કરવા ₹૪૫૦ કરોડની માતબર જોગવાઇ કરું છું. આ આયોજનથી આવનારા પાંચ વર્ષમાં અંદાજિત પાંચ લાખ તાલીમાર્થીઓ તેનો લાભ મેળવશે.

આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સના યુગમાં આપણા યુવાનો દુનિયા સાથે કદમ મિલાવી શકે તે માટે એલ.ડી.ઈજનેરી કોલેજ, અમદાવાદ ખાતે અને અન્ય છ સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે AI લેબ સ્થાપિત કરવામાં આવશે.

અમદાવાદ ખાતેના i-Hub અને i-Create થકી સ્ટાર્ટઅપ્સ માટે અનુકૂળ ઇકોસિસ્‍ટમ સફળતાપૂર્વક ઊભી થઇ છે. રાજ્યના અન્ય વિસ્તારમાં સ્ટાર્ટઅપ્સને વેગ આપવા માટે ચાર રીજીયનમાં i-Hubની સ્થાપનાનું આયોજન છે.

રાજ્ય સરકારે સર્વિસ ક્ષેત્રમાં વધુ રોજગારીનું નિર્માણ કરવાના હેતુથી “ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ”(GCC) નીતિ અમલમાં મૂકી છે. જેના અમલથી આ ક્ષેત્રની ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે અને ૫૦ હજારથી વધુ રોજગારીનું સર્જન થશે.

ગુજરાતના યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવાનો અમારો સંકલ્પ છે. MSME, ટેકસટાઇલ વગેરે મહત્તમ રોજગારી આપતા ક્ષેત્રો છે. આ ક્ષેત્રોને વધુ વિકસાવવા MSMEને પ્રોત્સાહન, નવી ટેક્સટાઇલ નીતિ, મેન્યુફેક્ચરિંગ પાર્ક વગેરેને લીધે રાજ્યમાં મૂડી રોકાણમાં નોંધપાત્ર વધારો થશે. આ નીતિઓ થકી લગભગ પાંચ લાખથી વધુ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારીનું નિર્માણ થશે.

આ બજેટમાં રાજ્યના લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગો ઉપરાંત સ્ટાર્ટઅપ એકમોની વિવિધ યોજનાઓ હેઠળ સહાય માટે અંદાજે ₹૩૬૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

ગુજરાત ટેકસટાઇલ એકમો વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બને તે માટે રાજ્ય સરકાર દ્વારા અમલી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી થકી વિવિધ સહાય પૂરી પાડવા આ બજેટમાં ₹૨૦૦૦ કરોડની જોગવાઇ કરું છું.

કુટીર ઉદ્યોગ ક્ષેત્રમાં સ્વ-રોજગારીને પ્રોત્સાહન આપવા માટે “વાજપાઇ બેંકેબલ યોજના” હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્રોમાં મળતી લોન વધારી ₹૨૫ લાખ તથા સબસીડી રકમ વધારી ₹૩ લાખ ૭૫ હજાર કરવાનો નિર્ણય કરેલ છે. આ યોજનાની જોગવાઇમાં ૧૦૦% નો વધારો કરીને ₹૪૮૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

આદિજાતિ, અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના યુવાનો માટે સ્વ-રોજગારીની તક વધારવાની રાજ્ય સરકારની નેમ છે. આ માટે નાણાકીય સહાય માટે વ્યાજ સબસીડી આપવાની જાહેરાત કરું છું. આ બેંકેબલ યોજનામાં ₹૧૦ લાખ સુધીની લોન ઉપર મહિલા લાભાર્થીઓને ૭% તથા પુરુષ લાભાર્થીઓને ૬% વ્યાજ સહાયનો લાભ મળશે.

માનનીય વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિ થકી આજે પ્રવાસન ઝડપથી વિકાસ પામતું ક્ષેત્ર છે. યુનેસ્કોની વિશ્વના સૌથી ૭ સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં ભુજનું સ્મૃતિવન સામેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઐતિહાસિક નગરી વડનગર જેવા અનેક સ્થળોની કાયાપલટથી ગુજરાત દેશ વિદેશના પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બન્યું છે. વર્ષ ૨૦૨૪ દરમ્યાન ૧૮ કરોડ ૬૩ લાખ ઘરેલુ અને આંતર રાષ્ટ્રીય પ્રવાસીઓ ગુજરાતના મહેમાન બન્યાં છે.

પ્રવાસન જેવા રોજગારલક્ષી ક્ષેત્ર વિકસવાથી આપણા યુવાનોને શહેરી અને ગ્રામ્ય ક્ષેત્રોમાં વિશેષ તકો ઊભી થશે. હોટલ વ્યવસાય, પરિવહન અને હસ્તકલા જેવા અનેક ક્ષેત્રોમાં પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે. આ ક્ષેત્રના વિકાસ માટે પ્રવાસન પ્રભાગના બજેટમાં ૩૧% ના વધારા સહિત વિવિધ વિભાગો હેઠળ ₹૬૫૦૫ કરોડ
સૂચવું છું.

જેમાં ઇન્‍ટ્રીગ્રેટેડ ટુરિઝમ ડેસ્ટીનેશન ડેવલપમેન્‍ટ હેઠળ મહત્વના પ્રવાસન સ્થળોને સાંકળતા ૧૫૦ જેટલા રસ્તાઓના વિકાસ અને પ્રવાસીઓ માટે નવીન ૨૦૦ એ.સી.બસો સંચાલિત કરવામાં આવશે. એકાવન શક્તિપીઠો પૈકીના આદ્યશક્તિ માઁ અંબાના ધામ અંબાજીના વિકાસ માટે ₹૧૮૦ કરોડની વિશેષ જોગવાઇ કરું છું.

ધાર્મિક શહેરોના સર્વાંગી વિકાસના ઉદ્દેશથી દ્વારકા, સોમનાથ, બહુચરાજી, ગિરનાર, પાવાગઢ, સિદ્ધપુર, ડાકોર, પાટણ અને પાલિતાણા જેવા તીર્થસ્થાનોની માળખાગત સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. જેનાથી આ શહેરોમાં પ્રવાસન ક્ષેત્રે રોકાણને પ્રોત્સાહન ઉપરાંત સ્થાનિક રોજગારને ઉત્તેજન મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.