Western Times News

Gujarati News

ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસનો કહેર: 12 બાળકોના મોત 

પ્રતિકાત્મક

અરવલ્લી, મહિસાગર, સાબરકાંઠા, ગોધરા, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ જિલ્લામાં વાઈરસ ફેલાયોઃ કેન્દ્રિય આરોગ્ય વિભાગ એલર્ટ

અમદાવાદ, ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાઈરસે હવે દહેશતનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. સમગ્ર રાજ્યમાં કુલ ૧૨ બાળકોનાં મોત નિપજતાં હવે સરકારી તંત્ર પણ સફાળુ જાગ્યું છે. ચિંતાની બાબત એ છે કે, યોગ્ય સમયે સાવચેતીના પગલાં નહીં ભરાતાં હવે ધીમે ધીમે વાઈરસ રાજ્યના અન્ય જિલ્લામાં પ્રસરવા લાગ્યો છે. સૌ પ્રથમ સાબરકાંઠામાં વાઈરસના કેસ નોંધાયા હતા

અને ત્યારબાદ હવે ગોંધરા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં કેસ નોંધાતા નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. વાલીઓમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે. ગુજરાતમાં ફેલાઈ રહેલા ચાંદીપુરા વાઈરસના પગલે કેન્દ્રિય આરોગ્ય વિભાગ પણ એલર્ટ થયો છે. જ્યારે બીજી બાજુ, ગુજરાતમાંથી તમામ સેમ્પલ પૂણેના લેબમાં મોકલવામાં આવી રહ્યા છે. હાલમાં કુલ ૧૫ શંકાસ્પદ કેસો આવી ચૂક્યા છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસે હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે. સંક્રમણ વધવાના કારણે દેશની હેલ્થ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ગત ૧૬ જુલાઈ, ૨૦૨૪ સુધીમાં ચાંદીપુરા વાઇરસથી ૮ બાળકનાં અને આજે એટલે કે ૧૭ જુલાઈએ ગોધરાના ૧ ગાંધીનગરના ૨ અને મહેસાણાનાં ૧ બાળકનું મોત થતાં રાજ્યનો મૃત્યુઆંક ૧૨ થયો છે. તેમજ અત્યાર સુધીમાં ૧૫ શંકાસ્પદ કેસ આવી ચૂક્યા છે.

જ્યારે રાજસ્થાનના બે કેસ છે અને એમાથી ૧ બાળકનું મોત થયું છે અને મધ્યપ્રદેશનું બાળક સ્ટેબલ છે. આમ ૧૭ જુલાઈના રાતના ૧૨ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધીમાં એટલે કે ૬ કલાકમાં રાજ્યમાં ૪ બાળકના મોત થઈ ગયા છે.

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસનો પગ પેસારો થયો છે. આજે(૧૭ જુલાઈ, ૨૦૨૪) ગાંધીનગરના ભાટ ટોલ ટેક્સ પાસેના છાપરા વાસમાં ૧૫ મહિનાની બાળકી શંકાસ્પદ વાઇરસની ઝપેટમાં આવી હતી, જેનું સારવાર દરમિયાન ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું છે તેમજ બાળકીનાં સેમ્પલ પુણે મોકલી આપવામાં આવ્યાં છે.

ગોધરાની ૪ વર્ષની બાળકીએ વડોદરા એસએસજી હોસ્પિટલમાં દમ તોડ્‌યો છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર, વડોદરાની સર સયાજી રાવ જનરલહોસ્પિટલમાં આવેલા બાળરોગ વિભાગમાં છેલ્લા ૧૫ દિવસમાં બાળરોગ વિભાગમાં કેટલાક કેસો સામે આવ્યા છે, જેમાંથી અત્યારસુધીમાં ૭ સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યાં છે. આ તમામ શંકાસ્પદ છે. હાલમાં ચાર દર્દી સારવાર હેઠળ છે, જેમાંથી બે વોર્ડમાં શિફ્‌ટ કરવામાં આવ્યાં છે, જ્યારે ૨ બાળક આઈસીયુમાં સારવાર હેઠળ છે.

આ કેસોમાં ઝાડા, ઊલટી, ખેંચ અને તાવ આવવો, બેભાન અવસ્થામાં આવેલા દર્દીઓનાં સેમ્પલ મોકલવામાં આવ્યાં છે. આ કેસોમાં ચાંદીપુરા વાઇરસ છે કે કેમ એ સેમ્પલ રિપોર્ટ બાદ ખબર પડશે. આ સારવાર દરમિયાન બે દર્દીનાં મોત થયાં છે, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલા કોટડા ગામે એક ચાર વર્ષથી બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસ મળી આવતાં આરોગ્યતંત્રમાં હરકતમાં આવી ગયું હતું અને વિવિધ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

ત્યારે ગોધરા તાલુકાના કોટડા ગામે એક ચાર વર્ષની બાળકીને તાવ ઝાડા, ઊલટી અને ખેંચ આવતાં તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
અમદાવાદ સિવિલમાં બુધવારે મહેસાણા અને ગાંધીનગરના દહેગામ તાલુકાના અમરાજી મુવાડા ગામની બાળકના મોત થયા છે. જ્યારે અમદાવાદમાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસ શહેરની વચ્ચે આવેલા આંબાવાડી અને ચાંદલોડિયા વિસ્તારમાં નોંધાયા છે.

મળતી માહિતી મુજબ આંબાવાડી વિસ્તારમાં ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં એક કેસ નોંધાયો છે. જ્યારે અન્ય એક કેસ ચાંદલોડિયા વિસ્તારમાં નોંધાયો છે. આ બંને બાળકો હાલમાં સિવિલ હોસ્પિટલમાં આવેલી ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં આવેલી મહિલા અને બાળ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ ઉપરાંત પણ રાજ્યના વિવિધ શહેર અને ગામડામાંથી અન્ય ચાર બાળ દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલા વરેઠા ગામના એક વર્ષના બાળકની તબિયત લથડતાં તેને વડનગર સિવિલમાં લવાયું હતું, જ્યાં તેને વેન્ટિલેટર સાથે આઈસીયુની જરૂર હોવાથી એક્સપર્ટ ડોકટરોની સારવાર મળી રહે એ માટે તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ માટે રિફર કરાયું હતું.

જ્યાં કાલે જ બ્લડ સેમ્પલ લઈ પુણે મોકલી આપવામાં આવ્યું હતું. જોકે ગઈકાલે રાત્રે ૧૨ને ૫ મિનિટે વરેઠાના આ એક વર્ષના બાળકનું શંકાસ્પદ રીતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે તેના ચાંદીપુરાનાં સેમ્પલનાં પરિણામ હજુ આવ્યાં નથી, જેથી હાલમાં બાળકનું કયા કારણે મોત નીપજ્યું એ રિપોર્ટ બાદ જાણી શકાશે.
દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા ગામની સાત વર્ષના એક બાળકને તાવ, ખેંચ સાથે મગજના તાવની અસર જોવા મળી હતી. જેને સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. જેનું પણ આજે ઢળતી સાંજે સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.