ગુજરાતમાં ઉદ્યોગ-વેપાર માટે નવી રાહત: મુખ્યમંત્રીએ ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વેગ આપવા બેઠક યોજી

અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ઉદ્યોગ-વેપારકારોની સમસ્યાઓ-પ્રશ્નોનું યોગ્ય નિવારણ લાવીને ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ને વેગ આપવાની નેમ સાથે રાજ્યના વિવિધ પ્રદેશો, જિલ્લાઓ અને મહાનગરોમાં ઉદ્યોગ-વેપાર સાથે સંકળાયેલા 100 ઉપરાંત વિવિધ ઉદ્યોગ-વ્યાપાર સંગઠનો, ઔદ્યોગિક વસાહતોના મંડળો તથા એસોસિએશનના પદાધિકારીઓ સાથે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બેઠક યોજી હતી.
મુખ્યમંત્રીશ્રીએ વ્યાપાર-ઉદ્યોગકારો દ્વારા તેમની સમક્ષ કરવામાં આવેલી તમામ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળીને તેના યોગ્ય અને ત્વરિત નિવારણ માટે રાજ્ય સરકારની નેમ તથા હકારાત્મક અભિગમ દર્શાવ્યા હતા તેમજ આ પ્રકારની સામૂહિક ચર્ચા-મંથન બેઠકનું સમયાંતરે નિયમિત આયોજન થાય તે માટેના દિશાનિર્દેશો પણ ઉદ્યોગ વિભાગને આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લિડરશીપમાં ગુજરાતમાં જે મજબૂત વિકાસનો પાયો નખાયો છે તેના પરિણામે ગુજરાત આજે સુદ્રઢ નાણાં વ્યવસ્થાપન ધરાવતું રાજ્ય બન્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉદ્યોગકારો-વ્યાપાર સંગઠનોને પાણી બચાવવાના તથા જળસંચયના ‘કેચ ધ રેઈન’ અભિયાન, પર્યાવરણ રક્ષા માટે વધુને વધુ વૃક્ષોનો ઉછેર તેમજ ઔદ્યોગિક વસાહતોમાં સ્વચ્છતા જાળવવાની દિશામાં સક્રિય યોગદાન આપવાનું આહવાન કર્યું હતું.