₹37.82 કરોડના ખર્ચે તૈયાર થયેલું પાલનપુરનું GSRTC આઈકોનિક બસ-પોર્ટ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/06/palanpur-st3-1024x683.jpg)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર ખાતે ₹37.82 કરોડના ખર્ચે 29,700 ચો.મી. વિસ્તારમાં નવનિર્મિત આઈકોનિક બસ-પોર્ટનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યમાં આવા સુવિધાસભર 7 આઈકોનિક બસપોર્ટ પીપીપી ધોરણે નિર્માણ થઈને પેસેન્જર સેવામાં કાર્યરત છે અને અન્ય 10 સેેલાઈટ બસપોર્ટ નિર્માણાધીન છે.
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/06/palanpur-st2.jpg)
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/06/palanpur-st1.jpg)
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુરમાં ૨૯૭૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ૩૭.૮૨ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ અને ૧૧૮ કરોડના ખર્ચે નિર્માણ થનારા વડગામ તાલુકાના સીસરાણા ૨૨૦ કે.વી. સબસ્ટેશનનું ઇ-ભૂમિપૂજન કર્યું હતું.
રૂ. ૧૧૮ કરોડના ખર્ચે બનનારું સીસરાણા સબ સ્ટેશન બનાસકાંઠા જિલ્લાના ૨૪ હજાર ખેડૂતો સહિત કુલ ૧ લાખ ૨૦ હજાર ગ્રાહકોને સતત વીજ પૂરવઠો પુરો પાડવામાં ઉપયોગી બનશે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી. દ્વારા રાજ્યમાં આવા અદ્યતન સુવિધા સભર ૭ આઈકોનિક બસપોર્ટ પી.પી.પી. ધોરણે નિર્માણ થઈને પેસેન્જર સેવામાં કાર્યરત છે અને ૧૦ સેટેલાઈટ બસ પોર્ટ નિર્માણાધીન છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું કે, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકહિત, જનકલ્યાણ અને અંત્યોદયના કાર્યોને પ્રાધાન્ય આપે છે. વિકાસના પાયામાં શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા એ ત્રણ બાબત મુખ્ય છે અને તે સૌને મળી રહે તેવું આયોજન સરકારે કર્યું છે. ગામડામાં સારા રસ્તા, સારી આરોગ્ય સેવા, પૂરતી વીજળી આપીને આપણે આ ત્રણેય ક્ષેત્રોમાં અનેક વિકાસ કામો વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં કર્યા છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
સામાન્ય માનવી, ગરીબ અને છેવાડાના લોકોને સુવિધા સરળતાથી મળે તેવો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો નિર્ધાર ૮ વર્ષોના તેમના સુશાસનમાં પાર પડ્યો છે તેમ મુખ્યમંત્રીશ્રીએ દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું
મુખ્યમંત્રીશ્રીએ કોરોના મહામારી દરમિયાન એસ.ટી. નિગમના કર્મચારીઓએ આપેલી સેવાઓની સરાહના કરતાં કહ્યું કે ૨૩ હજાર બસ દ્વારા ૬.૯૯ લાખ મુસાફરોને લાભ આપનારા એસ. ટી. ના આ સેવકો અભિનંદનને પાત્ર છે.