ડેરી ઉદ્યોગ – AI – ICT અને સાઇબર સિક્યુરિટીના ક્ષેત્રોમાં ગુજરાતની તજજ્ઞતાનો સહયોગ લેવાની ફિજીની ઈચ્છા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે ફિજીના નાયબ વડાપ્રધાન શ્રી મનોઆ કામિકામિકા
દેશના ગ્રોથ એન્જિન ગુજરાતના રિન્યુએબલ એનર્જી – ગ્રીન હાઈડ્રોજન – એગ્રીકલ્ચર સહિત બહુવિધ ક્ષેત્રોના પ્રોજેક્ટ – ગિફ્ટ સિટીની મુલાકાત લઇને વિકાસની સ્પીડ અને સ્કેલનો પ્રત્યક્ષ અનુભવ કરવા ફિજીનું પ્રતિનિધિ મંડળ ગુજરાતની મુલાકાતે આવે :-મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું ફિજીના નાયબ વડાપ્રધાનશ્રીને આમંત્રણ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ફિજીના નાયબ વડાપ્રધાન શ્રી મનોઆ કામિકામિકાએ ગાંધીનગરમાં લીધી હતી.
મુખ્યમંત્રીશ્રી સાથેની આ સૌજન્ય મુલાકાત બેઠકની વાતચીતમાં ફિજીના નાયબ વડાપ્રધાનશ્રીએ ગુજરાતે ડેરી ઉદ્યોગ સહિત કૃષિ ક્ષેત્રે જે વૈશ્વિક ખ્યાતિ મેળવી છે તેની તજજ્ઞતાનો લાભ ફિજીને પણ મળે તે માટે પરસ્પર સહયોગની તત્પરતા વ્યક્ત કરી હતી.
તેમણે ડેરી ઉદ્યોગ ઉપરાંત A.I અને I.C.T. તથા સાઇબર સિક્યુરિટી સેક્ટરમાં પણ ગુજરાત ફિજીને સહયોગ કરી શકે તેવી સંભાવનાઓ અંગે પણ ચર્ચા પરામર્શ કર્યા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિકાસના નવા કીર્તિમાન સ્થાપીને ગુજરાતને વિકાસનું રોડ મોડલ અને ગ્રોથ એન્જિન બનાવ્યું છે તે અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ મુખ્યમંત્રીશ્રી અને ફિજીના નાયબ વડાપ્રધાનશ્રીએ કરી હતી.
વડાપ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યા બાદ ૨૦૧૪માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ ફિજીની મુલાકાત લીધી તેનું પણ સ્મરણ તેમણે કર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતે રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનમાં લીડ લીધી છે તેની ભૂમિકા આપતા કહ્યું કે, કચ્છમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રીડ રીન્યુએબલ એનર્જી પાર્ક નિર્માણાધિન છે.
એટલું જ નહીં, એગ્રીકલ્ચર સેક્ટરમાં પણ બાયોમાસ, બાયોગેસ અને બાયો ફ્યૂલ ને પ્રોત્સાહિત કરતી વેસ્ટ ટુ એનર્જી પોલિસી ગુજરાતમાં છે.
ફિજીમાં શેરડીનું મોટાપાયે ઉત્પાદન થાય છે તે સંદર્ભમાં ઇથેનોલ પ્રોડક્શનમાં તે ગુજરાતનો સહયોગ કરી શકે તેમ છે તેમ પણ ફિજીના નાયબ વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતે પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે વિવિધ ઉદ્યોગો અને ઉભરતા સેક્ટર માટે જે પોલીસીઝ ઘડી છે તેના તેમજ બહુવિધ સેક્ટર્સમાં ગુજરાતની સિદ્ધિઓના અભ્યાસ-નિરીક્ષણ માટે ફિજીનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ ગુજરાત આવે તેવું આમંત્રણ પાઠવ્યું હતું.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ફિજીને જે સેક્ટર્સમાં સહભાગીતા તથા માર્ગદર્શનની જરૂર હોય તે સેક્ટરમાં ગુજરાત તેમાં પોતાનો સહયોગ આપશે.
ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળની આ ગુજરાત મુલાકાતથી ભારત-ગુજરાત ફિજી વચ્ચે અસરકારક અને પરિણામદાયી સહભાગીતાનો સુદ્રઢ સંબંધ પ્રસ્થાપિત થશે તેવી અપેક્ષા મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.
તેમણે એમ પણ ઉમેર્યું કે, ગુજરાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન ‘વિકસિત ભારત @ ૨૦૪૭’માં વિકસિત ગુજરાત થી અગ્રેસર રહેવાનો નિર્ધાર કર્યો છે.
આ હેતુસર વિકસિત ગુજરાત @ ૨૦૪૭નો રોડ મેપ તૈયાર કરવામાં આવેલો છે અને અર્નિંગ વેલ- લિવીંગ વેલ સાથે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને પણ પ્રાયોરિટી આપી છે.
તેમણે ગિફ્ટસિટી આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સિયલ હબ તરીકે ઊભરી આવ્યું છે તેની પણ જાણકારી ફિજીના નાયબ વડાપ્રધાનશ્રીને આપી હતી.
મુખ્યમંત્રીશ્રી સાથેની સૌજન્ય મુલાકાત બાદ ફિજીના નાયબ વડાપ્રધાનશ્રી ગિફ્ટસિટી અને અમુલ- આણંદની મુલાકાતે પણ જવાના છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ સૌજન્ય મુલાકાતમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા તથા મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ પણ જોડાયા હતા.
Chief Minister Shri Bhupendra Patel was paid a courtesy call on by Fiji’s Deputy Prime Minister Shri Manoa Kamikamika in Gandhinagar. Additional Chief Secretary to the Chief Minister Shri M. K. Das, Principal Secretary to the Industries Department Smt. Mamta Verma and Secretary to the Chief Minister Smt. Avantika Singh also participated in this courtesy call. They also discussed the possibilities of Gujarat collaborating with Fiji in the A.I and I.C.T. and cyber security sectors, in addition to the dairy industry.