Western Times News

Gujarati News

ગુજરાતમાં ફરીથી કડકડતી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે

આ સપ્તાહે ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળે તેવી શક્યતા

અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યભરમાં કાતિલ ઠંડી પડયા બાદ પવનની દિશા બદલાતા હાલ ઠંડીમાં થોડી રાહત મળી છે. રાજ્યના અનેક વિસ્તારના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. ગુજરાતમાં ઉત્તર અને ઉત્તરપૂર્વ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા હતા તેના બદલે હવે પવનની દિશા બદલાઈને પૂર્વથી દક્ષિણ પૂર્વ તરફ થઈ છે.

ઠંડીમાં મળેલી આ રાહત જો કે, હવે ફકત બે દિવસની મહેમાન છે તેવું સ્થાનિક હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ તેમની આગાહીમાં સ્પષ્ટ જણાવ્યું છે. બે દિવસ બાદ એટલે કે રર જાન્યુઆરીથી કડકડતી ઠંંડીનો નવો રાઉન્ડ શરૂ થશે જે લોકોને ભારે પરેશાન કરી દેશે.

હવામાન નિષ્ણાંતોની આગાહી અનુસાર આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે. તેમણે ભારે ઠંડી સાથે માવઠાની પણ આગાહી કરી છે. જેથી ગુજરાતીઓને હવે ભરશિયાળે વરસાદનો માર સહન કરવા માટે પણ તૈયાર રહેવું પડશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત નજીકથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયું હોવાથી હાલ ઠંંડીનું જોર ઘટયું છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં હાલ પવનની દિશા બદલાઈને પૂર્વથી દક્ષિણ-પૂર્વ તરફથી થઈ છે ત્યારે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. હાલ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા સેવવામાં આવી નથી.

હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું છે કે, ઠંડીમાં બે દિવસ સુધી ઘટાડો જોવા મળશે. આગામી રર-ર૩ જાન્યુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના રહેલી છે જેના કારણે ગુજરાતમાં પણ ઠંડી વધશે. આગામી ર૪-રપ જાન્યુઆરીએ દક્ષિણ ભારતમાં વરસાદ થતાં તેની અસર સ્વરૂપે પશ્ચિમ ભારતમાં વાદળ આવવાની શકયતા છે. આ સમયગાળામાં દક્ષિણ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તેવી પ્રબળ શકયતા છે જેના કારણે રાજ્યમાં માવઠાની શક્યતા પણ રહેલી છે. દક્ષિણ-પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે છે. હવામાન નિષ્ણાંતોએ વધુમાં જણાવ્યું છે કે, ર૭થી ર૯ જાન્યુઆરી દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને કોઈક કોઈક ભાગોમાં માવઠાની શકયતા પણ રહેશે.

અમદાવાદમાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી હતી અને શહેરમાં ૧૭ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રવિવારની રજાના દિવસે શહેરમાં ૩ર.૪ ડિગ્રી જેટલું ઉંચું મહત્તમ તાપમાન નોંધાતા શહેરીજનોએ મોટી રાહત અનુભવી હતી.

સવારે શહેરના એરપોર્ટ વિસ્તારમાં ૧૬.૯ ડિગ્રી, આંબલી-બોપલ રોડ પર ૧૬ ડિગ્રી, ચાંદખેડા વિસ્તારમાં ૧૭.૬ ડિગ્રી, નવરંગપુરામાં ૧૭.૧ ડિગ્રી, પીરાણા વિસ્તારમાં ૧૬.૮ ડિગ્રી, રાયખડમાં ૧૬.૧ ડિગ્રી, રખિયાલમાં ૧૬.૪ ડિગ્રી અને સેટેલાઈટ વિસ્તારમાં ૧૮.ર ડિગ્રી સેÂલ્સયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

સ્થાનિક હવામાન વિભાગે જણાવ્યું છે કે, અમદાવાદમાં પણ બે દિવસ બાદ લઘુતમ તાપમાન ઘટીને ફરી એક વખત ૧૬ ડિગ્રી અથવા તો તેનાથી પણ નીચે જઈ શકે છે. અમદાવાદીઓએ ફરી એક વખત કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે.

આજે સવારે સ્થાનિક હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા લેટેસ્ટ વેધર રિપોર્ટ અનુસાર કચ્છનું નલિયા આજે ૧૦.પ ડિગ્રી સાથે રાજ્યનું કોલ્ડેસ્ટ સિટી બન્યું છે. આજે અમરેલીમાં ૧પ.૪ ડિગ્રી, વડોદરામાં ૧૭.૬ ડિગ્રી, ભાવનગરમાં ૧૭.૪ ડિગ્રી, ભૂજમાં ૧૩.૬ ડિગ્રી, ડીસામાં ૧૬.૧ ડિગ્રી, દ્વારકામાં ૧૭.૩ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૬.૭ ડિગ્રી, કંડલામાં ૧૬.ર ડિગ્રી, ઓખામાં ૧૯.ર ડિગ્રી, પોરબંદરમાં ૧૪.૩ ડિગ્રી, રાજકોટમાં ૧પ.ર ડિગ્રી, સુરતમાં ૧૮.૬ ડિગ્રી અને વેરાવળમાં ૧૯.૪ ડિગ્રી સેÂલ્સયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.