ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે
અમદાવાદ, ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક તેમજ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે. અશોક ગેહલોત૧૬ ઓગસ્ટના રોજ રાજસ્થાનથી સીધા સુરત આવશે. સુરતમાં દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક કરશે.
૧૬ તારીખે બપોર પછી તેઓ રાજકોટ પહોંચશે. રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનના કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા કરશે અને ૧૬ મી ઓગસ્ટે રાત્રે વડોદરા પહોંચશે.
૧૭ મી તારીખે અશોક ગેહલોત મધ્ય ગુજરાતના કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા કરશે. ૧૭ મી તારીખે બપોર બાદ તેઓ અમદાવાદ પહોંચશે. અમદાવાદમાં ઉત્તર ગુજરાતના કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા કરશે. ૧૮ મી તારીખે અમદાવાદમાં તેઓ પ્રેસ કોન્ફરન્સ કરશે અને ચૂંટણી ઢંઢેરા માટે ગુજરાત કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા કરશે. આ સાથે તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ડિજિટલ પ્રચારની શરૂઆત કરાવશે.
આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે અશોક ગેહલોતને સિનિયર ઑબઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે. આ સિવાય છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલને હિમાચલ પ્રદેશના વરિષ્ઠ નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે.
આ સિવાય સંતુલન જાળવીને રાજસ્થાનના વરિષ્ઠ નેતા સચિન પાયલટને હિમાચલ પ્રદેશના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. તેઓ ભૂપેશ બઘેલ સાથે મળીને પાડોશી રાજ્યમાં પાર્ટીની ચૂંટણી તૈયારીઓ પર નજર રાખશે. તેમના સિવાય છત્તીસગઢના નેતાઓ ટીએસ સિંહ દેવ અને મિલિંદ દેવરાને નિરીક્ષક તરીકે ગુજરાતમાં મોકલવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી પાર્ટી સત્તાથી બહાર છે અને હાર્દિક પટેલ જેવા નેતાઓના ચાલ્યા જતા ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
આ સિવાય હિમાચલ પ્રદેશમાં તે પહેલીવાર વીરભદ્ર સિંહની ગેરહાજરીમાં ચૂંટણી લડશે. પાર્ટીએ તેમની પત્ની પ્રતિભા સિંહને મહત્વની જવાબદારી સોંપી છે. અહીં પાર્ટી પણ જૂથવાદમાં વહેંચાયેલી જાેવા મળી રહી છે અને આમ આદમી પાર્ટીના આક્રમક પ્રચારે પણ તેની ચિંતામાં વધારો કર્યો છે.HS1MS