કોંગ્રેસે 18 મુદ્દાનો મેનીફેસ્ટો જાહેર કર્યો
રૂ. 500માં ગેસ સિલિન્ડર અને 300 યુનિટ વિજળી ફ્રી આપવાનું વચન આપ્યું
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે 18 મુદ્દાનો જનતાનો ઘોષણા પત્ર 2022-27 બહાર પાડ્યો છે. જેમાં ગુજરાતની ગૃહિણીઓને રૂ. 500ના ભાવે ગેસ સિલિન્ડર , વીજ બીલમાં 300 યુનિટ સુધીના વિજળી મફત આપવાની વાત કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ પક્ષ દ્વારા મતદારો અને રાજયના પ્રજાજનોને લોભામણી જાહેરાતો અને વચનો આપતો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. રઘુ શર્મા, શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓની હાજરીમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત મેનિફેસ્ટો જાહેર કર્યો છે. ‘બનશે જનતાની સરકાર’ના નામે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે.
અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતેથી ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામથી મેનિફેસ્ટો જાહેર કર્યો છે. આ મેનિફેસ્ટોમાં અગાઉ રાહુલ ગાંધીએ ગુજરાત માટે કરેલા 8 વચનોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ખેડૂતાનો દેવા માફ કરવા, રૂ. 500માં ગેસ સિલિન્ડર આપવા, લોકોને 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપવી સહિતના 8 વાયદાઓ કરવામાં આવ્યા છે.
મેનિફેસ્ટોમાં રજૂ કરાયેલા મુખ્ય મુદ્દાઓ.
– 3 લાખ સુધીનું ખેડૂતોનું દેવું માફ
– મફતના સ્થાને અધિકારો પર ભાર
– સ્થાનિક રોજગારી ઉભી કરવા પર ભાર
– 300 યુનિટ ફ્રી વીજળી
– ખેડૂતોને 10 કલાક ફ્રી વીજળી
– વર્ષે 25 હજારનો ફાયદો કરાવવાનો વાયદો
– વધુમાં વધુ રોજગારી આપવાનું વચન
– 500 રૂપિયાના ભાવે ગેસ સિલિન્ડર અપાશે
– સૈન્ય એકેડેમી ખોલશે
– સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 50% અનામત
– કેજીથી પીજી સુધી શૈક્ષણિક ખર્ચ માટે 20 હજાર સુધીની શિષ્યવૃત્તિ
– સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવા માટે જનતા મેડિકલ સ્ટોરની સુવિધા
– ખેત પેદાશના પોષણક્ષણ ભાવ માટે ભાવ નિર્ધારણ સમિતિ
– કામધેનુ ગૌસંવર્ધન યોજના હેઠળ પ્રતિ વર્ષ 1 હજાર કરોડનું બજેટ
– માછીમારો માટે માછીમાર વિકાસ નિગમની પુનઃ રચના કરાશે
– શ્રમિકોને સમાનકામ અને સમાન વેતનનો લાભ મળશે
– પીએફ, ઈએસઆઈ અને બોનસલનો લાભ અપાશે
– શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓના નામનુ મળશે ઘરનું ઘર
– પંચાયતમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કાયમી ભરતી કરાશે
– સરકારી – અર્ધ સરકારી સંસ્થાઓમાં 10 લાખ ખાલી જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા હાથ ધરાશે
– બેરોજગાર યુવક-યુવતીઓને મહિને રૂ. 3000 સુધીનું બેકારી ભથ્થું મળશે
– ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ લેબર કે આઉટસોર્સિંગના બદલે કાયમી નોકરી
– છેલ્લા દસ વર્ષ કે તેનાથી વધારે સમયથી કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ અને ફિક્સ પગાર પર કામ કરનારાઓને કાયમી કરાશે
– સરકારી નોકરીની ભરતીમાં થતી ગેરરીતિને રોકવા અને આરોપીઓ માટે વિશેષ ‘ભરતી ભ્રષ્ટાચાર નિવારણ કાયદો’ અને ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના