ગુજરાત દરિયાકાંઠે મંડરાયેલા વાવાઝોડાનો ખતરો ટળ્યો: ભુજના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
કચ્છને સ્પર્શીને નીકળ્યું વાવાઝોડું -૧ સપ્ટેમ્બરથી ફરી મેઘતાંડવની આગાહી
(એજન્સી)ભૂજ, ગુજરાતના માથે મંડરાયેલા વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. અસના વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળ્યું છે. કચ્છ નજીક સર્જાયેલ ડીપ ડિપ્રેશન મામલે મોટા સમાચાર મળી રહ્યા છે. ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાયું છે અને ચક્રવાત બનીને પાકિસ્તાનના કરાચી થઈ ઓમાન તરફ ફંટાશે. ચક્રવાત હાલ ૨૪૦ કિ.મી ભુજથી પશ્વિમ તરફ આગળ વધ્યું છે. કરાંચીથી દક્ષિણ દક્ષિણ પૂર્વ તરફ ૧૬૦ કિમી દૂર છે.
હાલ પૂરતું ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ સપ્ટેમ્બર માસમાં વરસાદનું જોર ફરીથી શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બીજી, ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરે અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય બીજી સપ્ટેમ્બરે નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ વરસી શકે છે.
સાથે બેથી ચાર સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. સાથે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. વરસાદની વધુ કેટલીક સિસ્ટમ સક્રિય થતાં વરસાદ આવશે. ૩થી ૧૧ સપ્ટેમ્બર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે,
તો ૧૫ સપ્ટેમ્બર પછી ગુજરાતમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે. તો ૨૩,૨૪ અને ૨૫ સપ્ટેમ્બરે પણ ગુજરાતમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે. તો ૨૭ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી છે. કચ્છના ભુજના અનેક વિસ્તારોમાં ચારથી પાંચ ફૂટ પાણી ભરાઈ રહેતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
જયપ્રકાશ નગર અને શાંતિ નગરી જેવા વિસ્તારોમાં ભરાઈ રહેતા જનજીવન પ્રભાવિત થયું છે. નાળાની યોગ્ય રીતે સફાઈ ન કરાઈ હોવાથી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. સ્થાનિકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ કામગીરી નથી કરી, જેથી સ્થાનિકોમાં ભારે રોષ છે. દર વર્ષે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે તેમ છતાં પણ કોઈ કામગીરી કરાતી નથી. ગુજરાતના ચાર જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માગ ઉઠી છે.