એકમ કસોટીઓ બંધ કરવાનો નિર્ણયઃ વિદ્યાર્થીઓને માનસિક તણાવમાં મૂકાયા હતા

પ્રતિકાત્મક
એકમ કસોટીના કારણે શિક્ષકો પર કામનો બોજ વધારે
(એજન્સી)ગાંધીનગર, ગુજરાત સરકારે છ વર્ષ સુધી પ્રાથમિક અને માધ્યમિક સરકારી શાળાઓમાં એકમ કસોટીના નામે વિદ્યાર્થીઓને માનસિક તણાવમાં મૂક્યા પછી શિર્ષાસન કરીને એકમ કસોટીઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ વર્ષના જૂનથી શરૂ થતા ૨૦૨૫-૨૬ ના શૈક્ષણિક સત્રથી એકમ કસોટી બંધ કરી દેવાશે.
અલબત્ત ગુજરાત સરકાર તેના સ્થાને નવી કોઈ વ્યવસ્થા લાવવા વિચારી રહી છે એ જોતાં એવું લાગે છે કે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો સ્ટ્રેસ બિલકુલ દૂર નહીં થાય.
એકમ કસોટી હેઠળ રાજ્યની ૪૦,૦૦૦ થી વધુ પ્રાથમિક અને માધ્યમિક સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓમાં સાપ્તાહિક, પખવાડિક અને માસિક એકમ કસોટી લેવાતી હતી. તેના કારણે શિક્ષકો પર કામનો બોજ વધતો હતો અને વિદ્યાર્થીઓ પર સતત પરીક્ષાનો તણાવ રહેતો હતો તેથી ઉગ્ર વિરોધ થયો હતો.
ધોરણ ૧ થી ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવા માટે લેવાતી આ એકમ કસોટી બે સ્તરે લેવાતી હતી. ધોરણ ૧ થી ધોરણ ૮ ના વિદ્યાર્થીઓની એકમ કસોટી ગુજરાત શિક્ષણ સંશોધન અને તાલીમ પરિષદ લેતી હતી.
જ્યારે ધોરણ ૯ થી ધોરણ ૧૨ માટેની એકમ કસોટી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી હતી. એકમ કસોટી બંધ કરી દેવાશે પછી ગાંધીનગરમાં બનાવાયેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રને નવી કામગીરી સોંપાશે.
ગુજરાતમાં ૨૦૧૯ થી શરૂ કરાયેલી એકમ કસોટીનું તૂત ખાનગી કંપનીઓને ફાયદો કરાવવા માટે ચલાવાયું હોવાનું અધિકારીઓ સ્વીકારે છે. તેમનું કહેવું છે કે, એકમ કસોટીનાં પરિણામ ખાનગી કંપનીએ વિકસાવેલી એપ પર અપલોડ કરવાથી વિદ્યાર્થીઓને કોઈ ફાયદો નહોતો. આ ડેટાનો બીજો કોઈ ઉપયોગ પણ કરાયો નથી અને કરી શકાય તેમ પણ નહોતો એ જોતાં ૬ વર્ષ સુધી સરકારનાં નાણાંનો વ્યય કરાયો છે.
ગુજરાત સરકારે ડેટાના વિશ્લેષણ માટે બનાવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પણ એવો કોઈ મોટો ફાયદો થયો નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેનાં બહુ વખાણ કર્યાં ૨૦૨૧ માં જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાન મંત્રી એવોર્ડ મળ્યો પણ તેની ઉપયોગિતા બીજી કોઈ નથી.
ગુજરાત સરકારના એકમ કસોટીના નિર્ણયે શિક્ષકોની હાલત સૌથી ખરાબ કરી નાંખી હતી. શિક્ષકો એકમ કસોટીના કામમાંથી નવરા જ નહોતા પડતા અને રવિવાર કે જાહેર રજાના દિવસે પણ કામ કરવું પડતું. અઠવાડિયાના ત્રણ દિવસ તો શિક્ષકો પરીક્ષાની પળોજણમાં જ અટવાયેલા રહેતા હતા.