SMS કે અન્ય કોઈ રીતે મેસેજ કરી ચૂંટણી પ્રચાર કરવા જાહેરનામું
ચૂંટણી પ્રચાર માટે SMSના ઉપયોગ પર પ્રતિબંધ મુકવા અંગે જાહેરનામુ બહાર પડાયુ
ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજવાનું જાહેર કરેલ છે. સદરહુ ચૂંટણી અન્વયે કેટલીક વ્યક્તિઓ દ્વારા આદર્શ આચારસંહિતા તથા ચૂંટણી કાયદાનો ભંગ થતો હોય તેવા વાંધાજનક શોર્ટ મેસેજ સર્વીસીસ (SMSs) અન્ય વ્યક્તિઓને મોકલતા હોય છે.
જેથી સદરહું ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતાનો, ચૂંટણી કાયદાનો તથા ભારતના ચૂંટણી આયોગ દ્વારા વખતો વખત અપાતી સૂચના/આદેશનો ભંગ થાય તેવા શોર્ટ મેસેજ સર્વીસીસ (SMSs) પર પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે.
આથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, અમદાવાદ દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની (૧૯૭૪નો બીજો અધિનિયમની) કલમ-૧૪૪ અન્વયે મળેલ સતાની રૂએ ફરમાવેલ છે કે, સદરહુ ચૂંટણી અન્વયે કોઈ વ્યક્તિએ આદર્શ આચારસંહિતાના ભંગ
તથા ચૂંટણી કાયદાનો તથા ભારતના ચૂંટણી આયોગ દ્વારા વખતોવખત અપાતી સૂચના/આદેશનો ભંગ થતો હોય છે તેવા વાંધાજનક શોર્ટ મેસેજ સર્વીસીસ(SMSs) અન્ય વ્યક્તિઓને મોકલવા નહીં. ચૂંટણી પ્રચારના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર માટે કરાયેલ જથ્થાબંધ (બલ્ક) એસ.એમ.એસ.નો ખર્ચ ઉમેદવારે ખર્ચ રજીસ્ટરમાં નોંધવાનો રહેશે.
મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પહેલાના સમયગાળામાં ચૂંટણી પ્રચાર કે રાજકીય હેતુ માટે જથ્થા બંધ (બલ્ક) એસ.એમ.એસ. કરી શકાશે નહીં. આ જાહેરનામું અમદાવાદ પોલીસ કમિશ્નર શ્રી, અમદાવાદ શહેરના હકુમત સિવાયના વિસ્તારના અમદાવાદ જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામું તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામાનો ઉલ્લંધન કરનાર અથવા ઉલ્લંધન માટે મદદ કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ તથા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯પ૧ હેઠળ શિક્ષાત્મક પોલીસ કાર્યવાહી કરવાને પાત્ર ઠરશે.