ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાનું તૈલચિત્ર ગુમ?

તા.૦૧/૦૫/૧૯૬૦ થી તા. ૧૮/૦૯/૧૯૬૩ સુધી ગુજરાતના પહેલા મુખ્યમંત્રી રહેલાં ડો. જીવરાજ મહેતાની સ્મૃતિ ચિરસ્થાયી રાખવા માટે ગુજરાત સરકારે જુના સચિવાલયનું નામ ડો. જીવરાજ મહેતા આપેલું.
તે વખતે દિગ્ગજ કોંગ્રેસી નેતા રતુભાઇ અદાણીએ ગુજરાત સરકાર સાથે શરત કરેલી કે નામકરણ કરતી વખતે ડો. મહેતાનું એક સ્ટેચ્યુ બ્લોક નંબર -૧ પાસે મુકવું અને એક તૈલચિત્ર બ્લોક નંબર -૧ની અંદર પહેલા માળે મુકવું.
હવે બન્યું છે એવું કે સ્ટેચ્યુ તો યથાવત છે પણ બ્લોક નંબર -૧માં મુકવામાં આવેલું ડો. મહેતાનું તૈલચિત્ર ગુમ થઇ ગયું છે! અગાઉ અહીં ગુજરાતના દ્વિતીય મુખ્યમંત્રી શહીદ બળવંતરાય મહેતાનાં કચ્છમાં બનાવાયેલા સ્મારકની બિસ્માર હાલત અંગે લખ્યું હતું.
હવે પ્રથમ મુખ્યમંત્રીનાં તૈલચિત્રના ગુમ થવા વિશે લખવું પડે છે ત્યારે વિચાર આવે કે સરકારને ગુજરાતના ઈતિહાસ અંગે કોઈ ચિંતા જ નહીં હોય? આ અંગે ગુજરાતનો કોંગ્રેસ પક્ષ પણ કોઈ ચિંતા,ચર્ચા, વિરોધ કે રજૂઆત નથી કરતો એ પણ આશ્ચર્યજનક બાબત છે!
હેં, ગુજરાત મુલ્કી સેવા ટ્રિબ્યુનલ એક વર્ષથી કામ નથી કરતી?
ગુજરાત સરકારના વર્ગ-૩ વર્ગ-૪ના કર્મચારીને કોઈ અન્યાય થયો હોય તો તેને ઝડપથી ન્યાય મળે તે માટે સરકાર દ્વારા ગુજરાત મુલ્કી સેવા ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી છે.કમનસીબી એ છે કે આ ટ્રિબ્યુનલ છેલ્લા એક વર્ષથી કોઈ કામ જ નથી કરતી.તેનાં અધ્યક્ષ રાજ ગોપાલ જાન્યુઆરી-૨૦૨૪મા,સભ્ય કે.કે.પંડ્યા માર્ચ-૨૦૨૪માં અને સચિવ ડી.આર.પટેલ જુન-૨૦૨૪મા નિવૃત થઈ ગયા છે.
સભ્ય એ.જે.શાહ એકમાત્ર ટ્રિબ્યુનલમાં છે પણ નિયમોનુસાર કોરમના અભાવે તેઓ એકલા કોઈ કેસ સાંભળી ન શકે એટલે ટ્રિબ્યુનલનું કામકાજ સાવ ઠપ્પ છે. સાચું ખોટું તો રામ જાણે પણ એવું કહેવાય છે કે સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની પાસે આ ટ્રિબ્યુનલમાં નિમણુંકની ફાઈલ પડી છે પણ તેઓ તેનો નિકાલ જ નથી કરતા? આમાં કોઈ શું કરી શકે? ‘સબ કો સન્મતિ દે ભગવાન’ બીજું શું?
ગુજરાત ભારતીય જનતા પક્ષનુ પક્ષીય માળખું ક્યારે રચાશે?
ગુજરાતમાં ભારતીય જનતા પક્ષનું માળખું રચાઈ જાય તે માટે પક્ષના સૌ કાર્યકરો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે.
પરંતુ રાજકીય નિરીક્ષકોનો મત જો સાચો માનીએ તો હવે ભા.જ.પ.ની પક્ષીય નવરચના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્ણ થયા બાદ જ થશે એવું લાગે છે. આ અંગે એક મત એવો છે કે અહીં પક્ષ દ્વારા ગોઠવાયેલી સોગઠાંબાજી (ઉર્ફે ચાણક્ય ચાલ) કોઈની નજરમાં આવી નથી!
વાત જાણે એમ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માથે આવી ગઇ હતી અને સાથેસાથે જ પક્ષનું માળખું ગોઠવવાની નોબત પણ આવીને ઉભી હતી.આવા સંજોગોમાં જો માળખું જાહેર કરે તો તેમાંથી ઉભો થયેલો અસંતોષ ચૂંટણીમાં નડે! એટલે ચૂંટણી વહેલાં કરાવી લેવાનો પ્લાન ઘડાયો. ચૂંટણીમાં સૌ કામે લાગે એટલે હોદ્દેદારોની પસંદગી અંગેનો ઉકળતો ચરુ પણ થોડોક ઠરે.આમ ભા.જ.પ.એ એક કાંકરે બે પક્ષી માર્યાં છે.
જો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ડંકો વાગી જાય તો કાર્યકરોને દબાવીને કહી શકાય કે પક્ષ મહાન છે વ્યક્તિ (એટલે કે કાર્યકર) નહીં માટે જે જાહેર થાય તે છાનામાના સ્વીકારી લો! આ વ્યુહરચના કેટલી કારગત નીવડશે એ તો સમય જ કહેશે હોં!
બોલો લ્યો, મહુવા તાલુકા વિકાસ અધિકારીને ફરીવાર માર પડ્યો!
ગુજરાતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓના બેફામ વર્તને માઝા મુકી હોય એવું લાગે છે.
તાજેતરમાં સુરત જિલ્લાનાં મહુવા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી પ્રકાશ ચંદુલાલ માલાને મહુવા તાલુકા પંચાયતના સભ્ય પરિમલ પટેલે તેમની ચેમ્બરમાં જઈને ભરપૂર ગાળો દીધી હતી અને બેફામ માર માર્યો હતો.જે અંગે તાલુકા વિકાસ અધિકારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નવાઈની વાત એ છે કે પરિમલ પટેલે અગાઉ પણ પ્રકાશ માલાને માર માર્યો હતો પણ ત્યારે કોઈ ફરિયાદ દાખલ કરવામાં નહોતી આવી! સરકારમાં ફરજ પરના અધિકારી સાથે આવું વર્તન થાય એ ઘટના સૂચવે છે કે આપણી રાજકીય સંસ્કૃતિ ક્યાં જઈ રહી છે! અને હાં, તાલુકા પંચાયતના સભ્ય પરિમલ પટેલ (રાબેતા મુજબ) નાસી છૂટયા છે, ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને પોલીસ પક્ડથી દૂર છે!
પ્રદેશ મહામંત્રી રજની પટેલ માટે સંદેશો – અબ તુમ્હારે હવાલે કમલમ સાથીઓ
ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કેન્દ્રિય મંત્રી બન્યા પછી ગુજરાતમાં બહુ સમય અને ધ્યાન આપી શકતા નથી એટલે બધી જવાબદારી પ્રદેશ મહામંત્રી રજની પટેલને સોંપી છે. એ રીતે જોઈએ તો રજની પટેલ અત્યારે પડદા પાછળના પ્રદેશ પ્રમુખ છે.
અલબત્ત, આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી તેમજ આવું કંઈ પણ કરાયું નથી એવી સ્પષ્ટતા પણ ભા.જ.પ. તરફથી સત્તાવાર રીતે કરી દેવાઈ છે. પણ અંદરખાને થયેલી વ્યવસ્થા અનુસાર ‘લાકડીયા તાર’ની પદ્ધતિથી સૌને સંદેશો આપી દેવામાં આવ્યો છે કે
નવા પ્રદેશ પ્રમુખ ન આવે ત્યાં સુધી રજની પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેએ કામ કરવું. ભા.જ.પ. તો શિસ્તબદ્ધ પક્ષ છે એટલે પક્ષમાં ‘કુલડીમાં ગોળ ભંગાય’ તેનો ઉચ્ચાર સુદ્ધાં કોઈ ન કરે.આ શિસ્તને કારણે તો આ પક્ષ છેલ્લા ૨૮ વર્ષથી ગુજરાતમાં રાજ કરે છે.