સૌથી વધુ રોજગારી પૂરી પાડનાર રાજય તરીકે ગુજરાત દેશમાં મોખરે

ગાંધીનગર, ગુજરાતમાં બેરોજગારીનો દર કેટલો છે? રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુતે વિધાનસભામાં આ અંગે માહિતી આપી હતી. વિધાનસભા ગૃહમાં શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર વિભાગની અંદાજપત્ર માંગણીઓની ચર્ચા દરમિયાન બલવંતસિંહ રાજપુતે જણાવ્યું કે દેશના વિકાસમાં અગ્રેસર રહેતું ગુજરાત હંમેશા શ્રમયોગીઓને કેન્દ્રમાં રાખીને નીતિઓ બનાવે છે.
રાજયના શ્રમિકોને યોગ્ય વેતન મળે, તેમના પરિવારના કલ્યાણને લગતી યોજનાઓ બનાવવી તેનું અમલીકરણ કરવું તેમજ રાજયના યુવાનોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી તેમને તાલીમબદ્ધ કરી ઉદ્યોગોની જરૂરિયાતને અનુરૂપ માનવબળ તૈયાર કરવાની કામગીરી આ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
મંત્રી રાજપૂતે કહ્યું હતું કે રાજ્ય સરકાર ભરતી મેળાઓના આયોજન દ્વારા રોજગારી પૂરી પાડનાર તથા મેળવનાર વચ્ચે સેતુ બનીને વધુમાં વધુ યુવાનો રોજગારી પ્રાપ્ત કરી શકે તે દિશામાં નક્કર કામગીરી કરી રહી છે. જેના પરિણામે દેશભરમાં સૌથી નીચા બેરોજગારી દર તથા સૌથી વધુ રોજગારી પૂરી પાડનાર રાજય તરીકે ગુજરાત દેશભરમાં મોખરે રહ્યું છે.
મંત્રીએ કહ્યું કે રાજયના યુવાનોના કૌશલ્ય વર્ધન માટે ર૮૮ સરકારી, ૧૦૦ ગ્રાન્ટ ઇન એઇડ અને ૧૬૬ સ્વનિર્ભર આઇ.ટી.આઇ. એમ કુલ ૫૫૪ આઇ.ટી.આઇ. દ્વારા દર વર્ષે અંદાજે દોઢ લાખ વિદ્યાર્થીઓને કૌશલ્યબદ્ધ કરવામાં આવે છે. વર્ષ ર૦ર૪-ર૫માં રાજયની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ઉદ્યોગોની માંગ મુજબના ન્યુ એઇજ કોર્સિસ જેવા કે સોલાર ટેÂક્નશિયનની ર૦૦ બેઠકો તેમજ મિકેનીક-ઇલેકટ્રીક વ્હીકલ કોર્સની ૭ર બેઠકો શરૂ કરવામાં આવી છે,
જે થકી રાજયનું યુવાધન હાલની માર્કેટ ડિમાન્ડને અનુરૂપ વ્યવસાયોમાં તાલીમ મેળવી સક્ષમ બની શકશે. ગત નાણાંકીય વર્ષમાં રાજ્યની વિવિધ રોજગાર કચેરીઓ દ્વારા અંદાજે ૨.૯૬ લાખ જેટલા ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે.