ગીરમાં ૨૦૨૦માં સિંહોની સંખ્યા 674 હતી જે હવે 760 થી થઈ

Photo : Twitter
ગુજરાતના ગીરના વન વિસ્તારોમાં સિંહોની સંખ્યા વધી- બે વર્ષે અંદાજે 100 સિંહોનો વધારો થયો
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં એશિયાટિક સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો જાેવા મળ્યો છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ધરતી પરના તેમના એકમાત્ર ઘરમાં તેમની અંદાજિત વસ્તી વધીને ૧૨૦૦ થઈ ગઈ છે. જાેકે, આ આંકડો સત્તાવાર નથી.
૨૦૨૨નો સત્તાવાર આંકડો ૭૬૦ છે પરંતુ વનરક્ષકોનું કહેવું છે કે, અસલ આંકડો આનાથી વધારે હોઈ શકે છે કારણકે છેલ્લા એક વર્ષમાં સિંહો તેમની હદ વિસ્તારી ચૂક્યા છે. ૨૦૨૨ની ગણતરીના આંકડાની સત્તાવાર જાહેરાત હજી બાકી છે પરંતુ તેના પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે, ગ્રેટર ગીર વિસ્તારમાં સિંહોની વસ્તીમાં વૃદ્ધિ થઈ છે.
વન વિભાગના અધિકારીઓના કહેવા અનુસાર, દર મહિને પૂનમ અવલોકન કરવામાં આવે છે એટલે કે પૂનમે સિંહોની વસ્તી ગણવામાં આવે છે. મે મહિનાની પૂનમે બે વખત વસ્તી ગણવામાં આવી હતી. આ ડ્રાઈવનું નામ પૂનમ અવલોકન છે પરંતુ સિંહોની સંખ્યા રાત અને દિવસ એમ બંને સમયે ગણવામાં આવી હતી.
અધિકારીઓનું કહેવું છે કે, ઝીણવટપૂર્વક સિંહોની ગણતરી કરીએ એટલે તેમના સ્વાસ્થ્ય અંગેની પણ જાણકારી મળી જાય અને જાે કોઈ મૃત્યુ થયા હોય તો તેની પણ વિગત સામે આવી જાય. ૨૦૨૦માં સિંહોની સત્તાવાર જાહેર થયેલી સંખ્યા ૬૭૪ હતી.
જે દર્શાવે છે કે ૨૦૧૫ કરતાં ૧૫૧ સિંહ વધ્યા છે. એક અધિકારીએ નામ ના આપવાની શરતે કહ્યું કે, સિંહનો બિનસત્તાવાર અંદાજિત આંકડો ૧૨૦૦ની આસપાસ પહોંચી ગયો છે. ગીર, ગિરનાર, મિતિયાણા અને પાણીયા જેવા અભયારણ્ય વિસ્તારોમાં સિંહની વસ્તી છે. ૨૦૨૨માં આ વિસ્તારોમાં સિંહની સંખ્યા ૩૬૫ જેટલી નોંધાઈ છે એટલે કે ૨૦૨૦ની સરખામણીએ ૯ સિંહ વધ્યા છે. અધિકારીનું કહેવું છે કે, સિંહની વધતી સંખ્યા મોટાભાગે ગ્રેટર ગીર વિસ્તારમાં જાેવા મળી છે.