સરકાર દ્વારા AMA ખાતે સોશિયલ મીડિયા નોડલ અધિકારીઓની My Gov પોર્ટલ અંગેની બે દિવસીય તાલીમનો પ્રારંભ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/AMA-1024x549.jpg)
વિશ્વનું સૌથી વધુ સિટિજન એન્ગેજમેન્ટ ધરાવતું My Gov પોર્ટલ નાગરિકો અને સરકાર વચ્ચેનો સેતુ વધુ સુદૃઢ બનાવવા માટેનું ઉત્તમ માધ્યમ છે – ડૉ. ઉપેન્દ્ર ઉપાધ્યાય, My Gov – દિલ્હી
રાજ્યના નાગરિકો અને સરકાર વચ્ચેનો સેતુ વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ સાથે તેમજ MyGov પોર્ટલ પર વિવિધ પ્રવૃત્તિઓ થકી સરકારની કલ્યાકારી કામગીરીમાં જન ભાગીદારી વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે તા. 10 અને 11 ફેબ્રુઆરીના રોજ બે દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં MyGov પોર્ટલ માટે ક્રિએટીવ અને એન્ગેજીંગ કન્ટેન્ટ તૈયાર કરવું, પોર્ટલનું સુચારૂ સંચાલન કરવું તથા નાગરિકોને મોટી સંખ્યામાં સરકારી કેમ્પેઇનમાં જોડવા અંગે MyGov Indiaના નિયામકશ્રી ડૉ. ઉપેન્દ્ર ઉપાધ્યાય અને MyGov, દિલ્હીની ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ તાલીમમાં માહિતી નિયામકશ્રીની કચેરી હેઠળ ફરજ બજાવતા અધિકારી/ કર્મચારીઓ, તમામ જિલ્લાના સોશિયલ મીડિયા નોડલ અધિકારીશ્રીઓ સહિત દરેક વિભાગકક્ષાએ સોશિયલ મીડિયાની કામગીરી સંભાળતા અધિકારી/કર્મચારીઓ મળીને અંદાજીત 150 જેટલા અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે, MyGov પોર્ટલ એ ભારત સરકાર દ્વારા જન-ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટેની એક પહેલ છે. આ ઓનલાઈન પ્લેટફોર્મ નાગરિકો અને સરકાર વચ્ચે સેતુ બની વિવિધ સરકારી પહેલો અને નીતિઓની માહિતી આપવાની સાથે વિવિધ ઈન્ટરએક્ટિવ એક્ટિવિટી દ્વારા પોલીસી વિષયક નિર્ણય લેવાની પ્રક્રિયામાં જન ભાગીદારીને પ્રોત્સાહન આપે છે.
આ પ્રસંગે MyGovIndiaના ડૉ. ઉપેન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, MyGov પોર્ટલ એ વિશ્વનું સૌથી વધુ સિટિજન એન્ગેજમેન્ટ ધરાવતું પ્લેટફોર્મ છે. જેનો મુખ્ય હેતુ સરકારની યોજના તેમજ સરકારની પોઝિટિવ માહિતીને વધુને વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. ઉપરાંત આ પોર્ટલ સરકારના જન કલ્યાણના કાર્યો માટેની નિતી ઘડતરની પ્રક્રિયામાં નાગરિકોનાં મંતવ્ય મેળવવા માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે.
આ બે દિવસીય તાલીમમાં અધિકારીઓને MyGov પોર્ટલ પર થતી કામગીરી, કન્ટેન્ટ ક્રિએશન, સરકારની લોક-કલ્યાણ વિષયક કામગીરીની માહિતી લોકભોગ્ય શૈલીમાં છેવાડાના માનવી સુધી પહોંચે, રાજ્યના વિવિધ સરકારી કેમ્પેઈનમાં મહત્તમ જન-ભાગીદારી પ્રાપ્ત થાય તે માટે અનિવાર્ય ડેટા એનાલિસીસ તથા મોનિટરિંગ અંગેની માહિતી આપવામાં આવશે.