ગુજરાત સરકારે રાજ્યની ૯૮ લેબોરેટરીને ટેસ્ટની મંજૂરી આપી
(એજન્સી)અમદાવાદ, રાજકોટ પી.ડી.યુ મેડિકલ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફાર્માસ્યુટિકલ વિભાગમાં ટેસ્ટ કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જસદણ અને જેતપુરના આરોગ્ય કેન્દ્રોમાં પણ ટેસ્ટિંગને મંજૂરી આપવામાં આવી છે.
ખાનગી લેબોરેટરીમાં રૂ. ૪૫૦૦ સુધી ટેસ્ટનો ચાર્જ લેવામાં આવે છે. ભાવ નિયંત્રણ માટે રાજ્ય સરકારે કમિટીની રચના કરી છે. કોરોના ટેસ્ટની જેમ એચ૩એન૨ના ભાવ નિર્ધારિત કરવામાં આવશે.
કોરોનાનો ખતરો હજુ સંપૂર્ણ રીતે ટળ્યો નથી ત્યાં એચ૩એન૨ નામના વાયરસે તરખાટ મચાવવાનું શરૂ કરી દેતાં લોકોમાં ગજબનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે રાજકોટમાં અઢી મહિનાની અંદર એચ૩એન૨ વાયરસના ૨૫ જેટલા કેસ નોંધાઈ ગયા હોવાનું લેબોરેટરી સંચાલકો કહી રહ્યા છે.
જાેકે રાજકોટ મનપાના ચોપડે એક પણ કેસ સત્તાવાર રીતે નોંધાયો નથી. સાથે સાથે ચિંતાની વાત એ છે કે આ રોગની સાથે સાથે સ્વાઈન ફ્લૂ અને કોરોના કેસમાં સતત ઉછાળો જાેવા મળી રહ્યો છે. રાજકોટમાં તાવ, શરદી, ઉધરસ જેવા રોગના વાહરા ચાલી રહ્યા છે.
ઘરે ઘરે માંદગીના ખાટલા છે તો બીજી તરફ ફરી એક વખત કોરોનાના કેસમાં જંગી વધારો થયો છે. ૧૫ દિવસમાં ૨૩ કેસ કોરોનાના નોંધાયા છે. એટલું જ નહીં એચ૩એન૨ વાયરસના પણ અઢી મહિનામાં ૨૫ કેસ નોંધાયા હોવાના ખાનગી લેબોરેટરીના સંચાલકો દાવો કરી રહ્યા છે.
જાેકે નવાઈની વાત તો એ છે કે, રાજકોટ મનપાના ચોપડે એચ૩એન૨નો એક પણ કેસ નોંધાયો ન હોવાનું આરોગ્ય વિભાગનું કહેવું છે. રાજકોટ મનપાના આરોગ્ય અધિકારીએ આંકડાની માયાજાળને લઈને લૂલો બચાવ કરતા કહ્યું હતું કે, સરકારની ગાઈડ લાઇન મુજબ સી કેટેગરીના દર્દીઓના જ એચ૩એન૨ના ટેસ્ટ કરવામાં આવે છે.
જે રાજકોટની ખાનગી પાંચ લેબોરેટરીમાં જ થાય છે. ખાનગી લેબોરેટરી આ ટેસ્ટના આંકડા રાજકોટ મનપાની આરોગ્ય વિભાગને મોકલતી નથી.
તો બીજી તરફ લેબોરેટરીના સંચાલક ડો. મોનિલ ઠકરારે જણાવ્યું હતું કે, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને ૧૫ માર્ચ સુધીમાં શહેરની એકમાત્ર ગ્રીનક્રોસ લેબોરેટરીમાં એચ૩એન૨ સહિતના ફ્લૂ સંબંધિત ૧૨૦ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાંથી ૨૦% મતલબ કે ૨૫ જેટલા સેમ્પલનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
આ ઉપરાંત કુલ ૧૨૦માંથી પાંચ ટકા જેટલા દર્દીઓનો સ્વાઈન ફ્લૂ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સેમ્પલ લેવામાં આવ્યા છે તે ૧૨૦માંથી ૫૦% મતલબ કે ૬૦ જેટલા દર્દીઓના સેમ્પલનું કલેક્શન હોસ્પિટલમાંથી કરવામાં આવ્યું છે એટલે એમ કહી શકાય તે આ ૬૦ દર્દીઓના સેમ્પલ હોસ્પિટલના બીછાનેથી લેવાયા છે.
જે દર્દીઓના સેમ્પલ લેવાયા છે અને જેમના એચ૩એન૨ રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે તેમાં યુવાનો અને આધેડ વયના દર્દી વધુ જાેવા મળ્યા છે.