ગુજરાત સરકારે સ્ટેટ GST કાયદામાં સુધારો કરતો વટહુકમ પસાર કર્યો
(એજન્સી)અમદાવાદ, ગુજરાત સરકારે કરદાતાઓને જીએસટી વ્યાજ અને દંડમાં છૂટછાટોનો લાભ આપવા માટે રાજ્ય જીએસટી કાયદામાં સુધારો કરતો વટહુકમ બહાર પાડ્યો છે. આ વટહુકમ હેઠળ કેન્દ્ર સરકારના ફાઇનાન્સ (નં. ૨) અધિનિયમ, ૨૦૨૪ હેઠળ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, ૨૦૧૭માં સુધારા રજૂ કર્યા છે.
તેનો ઉદ્દેશ્ય કર અનુપાલન વધારવા અને કરદાતાના બોજને હળવો કરવાનો છે. આ સુધારાઓની સાથોસાથ, ગુજરાત સરકારે પણ ગુજરાતમાં કરદાતાઓને જીએસટી વ્યાજ અને દંડમાં ઉપરોક્ત છૂટછાટોનો લાભ આપવા માટે રાજ્ય જીએસટી કાયદામાં સુધારો કરતો વટહુકમ બહાર પાડ્યો છે.રાજ્ય સરકાર દ્વારા આ સુધારો અમલી બનાવવાના લીધે રાજ્યના વેપારીઓને પડતી તકલીફોમાંથી રાહત મળશે તેવો દાવો કરવામાંઆવ્યો છે.
તેની સાથે વેરાકીય પ્રક્રિયા વધારે સરળ બનશે તેમ પણ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. સરકારનું માનવું છે કે વેપારીઓ તેમણે વટહુકમ દ્વારા કરેલા સુધારાના આવકારશે અને તેનો હકારાત્મક પ્રતિસાદ આપશે.જો કે વેપારીઓ સરકારના સુધારા અંગે સાવધાનીપૂર્વકનો અભિગમ અપનાવી રહ્યા છે.
વેપારીઓનું કહેવું છે કે તેમને તકલીફો ઘટાડો સુધારો આવકાર્ય છે, પરંતુ હવે તેનો અમલ તંત્ર કઈ રીતે કરે છે તેના પર છે. તેનો અમલ યોગ્ય રીતે કરવામાં ન આવ્યો તો તેમની તકલીફોમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નહીં પડે. તેથી કાયદાનો અમલ યોગ્ય રીતે કરવો અત્યંત જરૂરી છે.