ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીલક્ષી ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) પોર્ટલની શરૂ કરાઈ

અત્યાર સુધીમાં 21 હજારથી વધુ વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર ક્વિક રજિસ્ટ્રેશન કરાવ્યું
વિવિધ વિદ્યાશાખાઓના સ્નાતક–અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશની કાર્યવાહી વિદ્યાર્થીઓ ઘરે બેઠા એક જ ઓનલાઈન અરજીથી કરી શકશે
ઓનલાઈન સબમિટ કરેલ અરજીનું વેરિફિકેશન કરવા યુનિવર્સિટી–કોલેજો દ્વારા 1500 વેરિફિકેશન સેન્ટર્સ કાર્યરત
ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીલક્ષી GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ) પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. જેમાં રાજ્યની ૧૫ સરકારી યુનિવર્સિટીઓ તથા તેમને સંલગ્ન વિવિધ કોલેજો, ભવનોની વિવિધ વિદ્યાશાખાઓના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશની કાર્યવાહી વિદ્યાર્થીઓ ઘરે બેઠા સરળતાથી એક જ ઓનલાઈન અરજીથી કરી શકશે.
શૈક્ષણિક વર્ષ 2025-26થી GCAS પોર્ટલ મારફતે વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકે તે માટે ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા. 25 માર્ચ, 2025થી શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 21 હજારથી વધુ વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર ક્વિક રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. ગુજરાત બોર્ડનું ધોરણ- 12નું પરિણામ જાહેર થયા બાદ GCAS પોર્ટલ પર વિદ્યાર્થીઓ તેમનુ સંપૂર્ણ ફોર્મ ભરી શકશે, જેની વિગતો પછીથી જાહેર કરવામાં આવશે.
આ સાથે વિદ્યાર્થીઓની અરજીની ચોકસાઈ તથા તેમને પ્રવેશ/મેરીટ સંબંધિત મુશ્કેલીઓના નિવારણ માટે વિદ્યાર્થીએ ઓનલાઈન સબમિટ કરેલ અરજીનું વેરિફિકેશન કરાવવાનું રહેશે.
જેથી GCAS પોર્ટલ દ્વારા પ્રવેશની કાર્યવાહી સાથે સંકળાયેલ તમામ યુનિવર્સિટી-કોલેજોને ‘વેરિફિકેશન સેન્ટર’ શરૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે. જે મુજબ હાલ સુધીમાં 1500 જેટલા વેરિફિકેશન સેન્ટર્સ કાર્યરત થયા છે. વેરિફિકેશન માટેની માર્ગદર્શિકા હવે પછીથી જાહેર કરવામાં આવશે.
વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા મારફત GCAS પોર્ટલ દ્વારા પ્રવેશની પ્રક્રિયાના વિવિધ તબક્કાઓનું માર્ગદર્શન મળી રહે તે માટે GCASની ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ ચેનલ gcas_official પણ શરૂ કરવામાં આવી છે, જેના પર ક્વિક રજિસ્ટ્રેશનની વિગત દર્શાવતી રીલ પણ મૂકવામાં આવી છે, એવું GCAS સેલ, કેસીજી, અમદાવાદની એક અખબારી યાદીમાં જણાવાયું છે.