Western Times News

Gujarati News

રાજ્ય સરકારે શિક્ષકો માટે બદલીના નિયમો જાહેર કર્યા

प्रतिकात्मक

(એજન્સી)ગાંધીનગર, રાજ્ય સરકાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યાં છે.

શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ વિશે માહિતી આપવામાં આવી છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષક જેમની ઓછામાં ઓછી ૨ વર્ષની સેવા પૂરી થઈ હોય તેઓએ જિલ્લા બદલી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકે પોતાની મૂળ નિમણૂકના જિલ્લા કચેરી મારફતે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકોએ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ શાળાના આચાર્ય દ્વારા પ્રમાણિત કરેલી અરજીને કમિશનરની શાળાઓની કચેરીએ મોકલવાની રહેશે. નિયત સમય મર્યાદામાં અરજીઓ મળ્યા બાદ કમિશનર શાળાઓની કચેરી દ્વારા રાજ્ય કક્ષાની વિભાગ અને વિષયવાર કામચલાઉ યાદી જાહેર કરવામાં આવશે.

ત્યારબાદ કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગરની મંજૂરી મળ્યા બાદ છેલ્લી ઓનલાઈન યાદી જાહેર કરવામાં આવશે, જેમાં ફેર-બદલીના હુકમો પણ ઓનલાઈન જ કરવામાં આવશે. કેમ્પમાં બદલી હુકમ થતાં જ જે-તે શાળાના આચાર્ય અને શિક્ષણ અધિકારીએ શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકને છૂટા કરી તે અંગેના હુકમો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.

મેરિટ પદ્ધતિ મુજબ જે-તે શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકને તેમની સેવાના સમયગાળા માટે વધુમાં વધુ ૩૦ પોઇન્ટ્‌સ, ખાસ કેટેગરી જેવી કે, દિવ્યાંગ/ વિધવા/ ત્યક્તા/ વિધુર માટે ૮ પોઇન્ટ્‌સ, સચિવાલયના બિન-બદલીપાત્ર કર્મચારીઓને પતિ-પત્નીને સરકારી નોકરીની કેટેગરી માટે પણ ૧૦ પોઇન્ટ્‌સની જોગવાઇ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.