રખડતા ઢોરના મુદ્દે ગુજરાત સરકારની નવી ગાઇડલાઇન
(એજન્સી)અમદાવાદ, રખડતા ઢોરના વધતા ત્રાસ અને હુમલાઓને લઈને ગુજરાત હાઇકોર્ટ દ્ધારા ઝાટકણી કાઢ્યા બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી. હાઈકોર્ટે ૧૧ જુલાઈના અમદાવાદના બિસ્માર રોડ અને રખડતા ઢોર મુદ્દે સરકાર અને અમદાવાદ મહાપાલિકાની ઝાટકણી કાઢી હતી.
હવે રાજ્ય સરકારે રખડતા ઢોરને લઈ મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા વિસ્તાર માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ વિસ્તારોમાં રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન વગરનાં ઢોરને જપ્ત કરવામાં આવશે.
આ ઉપરાંત મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાએ પશુઓમાં ટેગ લગાવવાની કામગીરી કરવી પડશે.પરમિશન માટે નિશ્ચિત ચાર્જ ભરવો પડશે. તો જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને પશુઓને ઘાસ ખવડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યા છે.
રખડતા ઢોરોને નિયંત્રણમાં રાખવા માટે માર્ગદર્શિકાનો ડ્રાફ્ટ તૈયાર કરવા ૧૦ સભ્યોની કમિટીને જવાબદારી સોંપાઈ હતી. તમામ પાસાઓના વિચારણાની અંતે રાજ્ય સરકારે રખડતા ઢોર માટે માટે એક કોમન માર્ગદર્શિકા જાહેર કરી છે.
જેમા હવે મહાનગરપાલિકા ઉપરાંત નગરપાલિકાઓમાં ઢોરનું રજિસ્ટ્રેશન કરી લાયસન્સ ફરજિયાત બનાવાયુ છે. આ ઉપરાંત પશુઓની ઓળખ કરી શકાય તે માટે ચીપ અને ટેગ પણ લગાવવા પડશે.
સરકારની નવી ગાઇડલાઇન અનુસાર, રોડ પર રખડતા ઢોરનું રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે અને જાે રજિસ્ટ્રેશન નહીં કરવામાં આવે તો ઢોરને જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.