ગુજરાતમાં સેવા માટે ફાળવાયેલા 2024 ની બેચના 8 પ્રોબેશનર IAS અધિકારીઓએ રાજ્યપાલની મુલાકાત લીધી

ગુજરાત રાજ્યમાં સેવા માટે ફાળવાયેલા ભારતીય પ્રશાસનિક સેવાના વર્ષ 2024 ની બેચના 8 પ્રોબેશનર અધિકારીઓએ ગાંધીનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ આઈ.એ.એસ. અધિકારીઓને અભિનંદન આપતાં કહ્યું કે, રાષ્ટ્ર સેવા અને માનવસેવા જ સાચી ઈશ્વર પૂજા છે.
ગુજરાત જેવા શાંત અને સમૃદ્ધ પ્રદેશમાં સેવા કરવાની તક મેળવવા બદલ પ્રોબેશનર યુવા આઈ.એ.એસ. અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ગુજરાતના લોકો ભલા અને મહેનતુ છે. અહીંના ખેડૂતો પણ પુરા ખંતથી ખેતી કરે છે. આવા રાજ્યમાં સેવાનો અવસર પ્રાપ્ત થવો તે સૌભાગ્યની વાત છે. તેમણે યુવા અધિકારીઓને પૂરી પ્રમાણિકતા અને મહેનતથી નાગરિકોની સેવા કરીને ફરજના કાર્યકાળને ગૌરવાન્વિત કરવા અને સફળતા પ્રાપ્ત કરવા શુભકામનાઓ પાઠવી હતી.
ગુજરાતને ફાળવાયેલા વર્ષ 2024 ની બેચના આઠ સનદી અધિકારીઓમાં સુશ્રી અપરાજીતા આર્યન (ખેડા), શ્રી અતુલ સિંહ (અમરેલી), સુશ્રી ધારિણી એમ. (કચ્છ), સુશ્રી વૃશાલી કુંબલે (રાજકોટ), સુશ્રી નેહા બ્યાવાલ (ભરૂચ), સુશ્રી રિતિકા આઈમા (તાપી), શ્રી અભિષેક તાલે (બનાસકાંઠા) અને સુશ્રી અંજલિ ઠાકુર (પંચમહાલ) માંથી છ મહિલાઓ છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મહિલા અધિકારીઓને વિશેષ અભિનંદન આપ્યા હતા અને દરેક ક્ષેત્રમાં મહિલાઓની અગ્રણી ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે આ અધિકારીઓને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે વિસ્તૃત જાણકારી આપીને માનવતાના આ કાર્યને પણ અગ્રતા આપવા અનુરોધ કર્યો હતો. વર્તમાનમાં આ પ્રોબેશનલ અધિકારીઓ ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત સ્પીપામાં તાલીમ લઈ રહ્યા છે.
રાજ્યપાલશ્રીએ સૌ અધિકારીઓને પ્રાકૃતિક કૃષિ વિષયક સ્વલિખિત પુસ્તક ભેટ આપ્યું હતું. આ અવસરે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન – સ્પીપાના ડાયરેક્ટર જનરલ શ્રી હારિત શુક્લ પણ ઉપસ્થિત રહ્યા હતા.