Western Times News

Gujarati News

યોગ એ આસન કે વ્યાયામ માત્ર નથી, માનવજાતના કલ્યાણ  માટેની વિદ્યા અને મહાન શાસ્ત્ર છે : રાજ્યપાલ 

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ  ૯ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કહ્યું કે, યોગ એ આસન કે વ્યાયામ માત્ર નથી, ભારતના ઋષિમુનિઓએ વર્ષો સુધી કઠિન તપશ્ચર્યા કરીને માનવજાતના કલ્યાણ માટે આપેલી વિદ્યા અને મહાન શાસ્ત્ર છે.

ગાંધીનગરમાં રાજભવનના પ્રાંગણમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ યોગાસન-પ્રાણાયામ કર્યા હતા.

વિશ્વ યોગ દિવસે તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાથી સમસ્ત વિશ્વના કલ્યાણ માટે યોગ કરવા આહવાન કર્યું અને આજે આખી દુનિયા યોગ કરી રહી છે, એ ભારત માટે ગર્વની વાત છે.

સ્વાસ્થ્ય ઉત્તમ હશે તો જ અન્ય જવાબદારીઓ અને કર્તવ્યોનું સારી રીતે નિર્વહન થઈ શકશે. શરીર છે તો દુનિયા છે. પ્રવૃત્તિ રહેવા માટે શરીરનું સ્વસ્થ હોવું જરૂરી છે. નિયમિત યોગાસન અને પ્રાણાયામ કરવાથી શરીર સ્વસ્થ અને નીરોગી રહે છે. મન અને બુદ્ધિ એકાગ્ર થાય છે.

પરિણામે કઠિન કાર્યો સરળતાથી કરવાની સમર્થતા આવે છે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ યોગને દિનચર્યાનો ભાગ બનાવવા અને તેનું નિયમિત અધ્યન કરવાનો અનુરોધ કર્યો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સ્વયં પણ દરરોજ નિયમિત યોગ અને પ્રાણાયામ કરે છે.

રાજભવનના પ્રાંગણમાં ગાંધીનગરના વરિષ્ઠ યોગગુરુ શ્રી અશ્વિનભાઈ દવેએ યોગાસન અને પ્રાણાયામ કરાવ્યા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમનું સન્માન કર્યું હતું. સમસ્ત રાજભવન પરિવારે યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આત્મવિકાસ માટે મનને સંતુલિત રાખવાના તથા પોતાના કર્તવ્યો અને સ્વાસ્થ્ય માટે પ્રતિબદ્ધતાના શપથ પણ લીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.